ગાંધીનગર મહાત્મા મંદિરમાં દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિટનુ આયોજન કરાય છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન અન્ય દેશમાંથી આવતા પ્રતિનિધિઓની આંખમાં ધૂળ નાખવા માટે શહેરને નવોઢાની જેમ શણગારવામાં આવે છે.
પરંતુ સામાન્ય દિવસોમાં આ વિસ્તારમાં અધિકારીઓ ડોકાવા પણ જતા નથી. મહાત્મા મંદિર તરફ ફૂટપાથ પાસે એક મોટો ભૂવો પડ્યો છે. જો ભૂલથી વાહન ચાલકનુ ધ્યાન ભટકી જાય તો મોતને ભેટી શકે છે. સરકારની સરભરામાં રહેતા અંધ તંત્રના કર્મચારીઓને આ ભૂવો જોવા મળતો નથી.
ગાંધીનગરને રાજ્યનુ પાટનગર બનાવી દીધુ છે.પરંતુ પાટનગરના નાગરિકોની સુવિધાઓ સામે ધ્યાન આપવામાં આવતુ નથી. સરકારના કાર્યક્રમોમાં કરોડો રૂપિયાનો ધૂમાળો કરી નાખવામાં આવે છે. કાર્યક્રમ રદ કરવામાં આવે તો પુનઃ ખર્ચ કરવામાં આવે છે. તેવા સમયમાં નાગરિકોને માત્ર સમસ્યાઓ જ આપવામાં આવે છે. ગાંધીનગરમાં મંત્રી નિવાસ પછી બીજા નંબરે વાઇબ્રન્ટ સમિટમાં વીવીઆઇપીઓની ધમધમતો વિસ્તાર હોય તો મહાત્મા મંદિર વિસ્તારને ગણવામાં આવે છે. ત્યારે મહાત્મા મંદિર તરફ જતા અને સાયન્સ કોલેજ પાસેના ત્રણ રસ્તા ઉપર છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી રોડ સાઇડમાં ગટર તુટી ગઇ છે.
ટ્રાફિકમાં ઉપયોગમાં લેવાત બેરીકેટ્સને મુકીને વાહન ચાલકોને સંકેત આપવામાં કોઇ વટેમાર્ગુએ કામગીરી કરી છે. પરંતુ મહાત્મા મંદિરમાં અનેક એક્ઝિબિશનમાં જતા અધિકારી ઓના આંખે પાટા લગાવેલા હોય તેમ નજરમાં આવતુ નથી. આગામી સમયમાં વાઇબ્રન્ટ સમિટ યોજાશે, ત્યારે વિદેશીઓની આંખમાં ધૂળ નાખવા કામગીરી કરાશે, પરંતુ જે ગાંધીનગરના રહિશોના ખિસ્સામાંથી ખંખેરવામાં આવતો ટેક્ષ આપતા નગરજનો માટે અધિકારીઓ કામગીરી નહિ જ કરે.