કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતાં કોમર્શિયલ કારોબારને સીલ મારવાનું આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. સેકટર – ૭ માં નોટિસો આપ્યા બાદ સમય આપવામાં આવ્યો છે જયારે ઘ-દોઢ પાસે આવેલા જલારામ સુપર માર્કેટ કે જે પાર્કીંગની જગ્યામાં બનાવવામાં આવેલ છે ઉપરાંત ત્રણ દુકાનોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દુકાનદારને માલ ખસેડવા એક દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા રહેણાંકમાં વાણિજ્ય પ્રવૃત્તિ કરતાં ૪૦ લોકોને નોટિસો ફટકારવામાં આવી છે. સેક્ટર-૧, ૨ અને ૩માં પણ રહેણાંકમાં દુકાનો ખોલી દેવામાં આવી છે. તે તમામને આજે હાથોહાથ રૂબરૂમાં નોટિસ ફટકારવા સાથે બે દિવસની મુદત આપવામાં આવી છે. ત્યારબાદ તંત્ર દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે. સે-૩માં તો એક બેંક પણ કોર્પોેરેશનની ઝપટમાં આવી ગઈ છે.
અગાઉ સેક્ટર-૭માં રહેણાંકમાં ચાલતી ૨૩ જેટલી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે ઉક્ત ત્રણ સેક્ટરોમાં ગેરકાયદે ચાલતી દુકાનોને લઈને માલિકોને નોટિસો આપવામાં આવી છે. કોર્પોરેશને હવે રહેણાંકમાં ચાલતી કોર્મિસયલ પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. પાટનગર ગાંધીનગરમાં અનેક રહેણાંકના મકાનોમાં આ રીતે ગેરકાયદે દુકાનો, ક્લાસીસ, હોસ્ટેલો, ભોજનાલય, દવાખાના ખુલી ગયા છે. સે-૧માં એક ફ્લેટમાં બેઝમેન્ટમાં દુકાન ચલાવવામાં આવે છે. સે-૩માં પણ રહેણાંકના મકાનોમાં ક્લાસીસ, હોસ્ટલ અને બેંક તથા દુકાનો આવેલી છે. જ્વેલર્સનો શોરૂમથી લઈને રેડીમેઈડ કપડાંના પણ શો-રૂમ રેસીડેન્સમાં ખુલી ગયા છે. મકાન માલિકોએ ઉંચા ભાડેથી પોતાના મકાનો ક્લાસીસ ચલાવવા માટે આપ્યા છે. તે તમામ સામે હવે તવાઈ આવશે. આ તમામને બે દિવસમાં કોર્મિસયલ પ્રવૃત્તિ બંધ કરી દેવા માટે સુચના આપવામાં આવી છે. ઘ-દોઢ પાસે મકાનમાં ચાલી રહેલી બેંકને પણ ખાલી કરી દેવા કહી દેવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા અગાઉ જાહેર નોટિસ આપીને તમામને ચેતવણી આપી દીધી હતી જેમાં રહેણાંકમાં ગેરકાયદે કોર્મિસયલ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તે ઉપરાંત ગેરકાયદે બાંધકામ કર્યા હોય તે તમામને પોતાના દબાણો દુર કરી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી.