ભીમ આર્મી ચીફ જેલમુક્ત : ભાજપને મૂળમાંથી ઉખાડી ફેંકીશુ : ચંદ્રશેખર આઝાદ

1135

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને સહારનપુરની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તેમને મે ૨૦૧૭માં સહારનપુરમાં કોમી તોફાનો કરવાનાં આરોપ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (રાસૂકા) અંતર્ગત જેલ ભેગો કરવામાં આવ્યો હતો. રાવણને ગુરૂવાર રાત ૨.૩૦ વાગ્યે જેલમાંથી મુક્ત કરાયો છે. ગયા બુધવારે જ યોગી સરકારે રાવણને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

રાવણને જેલમાંથી મુક્ત કરવાનો છે તે વાત જાણીને ભીમ આર્મીનાં સમર્થકો મોટી સંખ્યામાં જેલની બહાર જમા થઈ ગયા હતાં. જેલની બહાર ચારેય તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની જીપમાં રાવણને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. રાવણ ૧૬ મહિનાનો કારાવાસ ભોગવ્યા બાદ હવે મુક્ત કરાયો છે. કેટલીક રાજકીય પાર્ટીઓ તેને મુક્ત કરવા માટે સતત માગંણીઓ કરી રહી હતી.

સહારનપુરની જેલમાંથી મુક્ત થયાની થોડી જ વારમાં ચંદ્રશેખર રાવણે સભાને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા તેણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. રાવણે કહ્યું કે, વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સરકારને કોઈ પણ રીતે હરાવવાની છે. તેણે કહ્યું કે ભાજપ સરકાર સત્તામાં તો શું વિપક્ષમાં પણ નહીં જઈ શકે. ભાજપનાં ગુંડાઓ સામે લડવાનું છે. તેણે એમ પણ કહ્યું કે, સામાજીક હિત માટે ગઠબંધન થવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, સહારનપુરમાં ગત વર્ષે શ્રેણીબદ્ધ રીતે થયેલ જાતિય હિંસામાં ચાર લોકોનાં મોત થયા હતાં. શબ્બીરપુર હિંસા બાદ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર રાવણની ધરપકડ બાદ રાસુકાની કાર્યવાહી થઈ હતી. છેલ્લા ૧૬ મહિનાથી સહારનપુર જેલમાં રાવણ સજા કાપી રહ્યો હતો. થોડા  દિવસ પહેલા જ રાવણની માતાએ યોગી સરકારને તેને છોડી મૂકવા માટે અપિલ કરી હતી. ત્યારબાદ બુધવારે  જ યોગી સરકારે રાવણને છોડવાનો આદેશ આપ્યો હતો.

Previous articleગુજરાતમાં ૩૫૦૦ કરોડ રોકવા હિન્ડાલ્કોની તૈયારી
Next articleદહેજના કેસમાં પતિની તરત ધરપકડ થઇ શકે છે : સુપ્રીમ