અમેરિકાનાં બોસ્ટન શહેરમાં ગુરૂવારે રાત્રે ગેસની પાઈપલાઈનમાં એક પછી એક એમ લગભગ ૭૦ સ્થળોએ ગેસ લીક થવાથી નાના-મોટા બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. બોસ્ટનમાં લગભગ ૪૦ જેટલી બ્લિડિંગ્સમાં ગેસ લીકેજનાં કારણે બ્લાસ્ટ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસનાં જણાવ્યાં મુજબ, આ સ્થળોએ ગેસની પાઈપલાઈન બ્રેક થવાનાં કારણે ગેસ લીક થવાની ઘટના સામે આવી છે જેનાં કારણે ઘણી બધી જગ્યાઓ પર બ્લાસ્ટ પણ થયા છે. આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ઉત્તર બોસ્ટનમાં થયેલ આ બ્લાસ્ટમાં અત્યાર સુધી છ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે એક ૧૮ વર્ષનાં યુવકનું મોત નિપજ્યું છે.
બ્લાસ્ટ થયેલ સ્થળો પર રાહત -બચાવ કામગીરી ચાલી રહી છે. સંખ્યાબંધ બ્લાસ્ટનાં કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાનાં ગોટે-ગોટા ફેલાઈ ગયો છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે લૉરેન્સની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સંખ્યાબંધ લોકોનુ સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે.
સ્થાનિક નિવાસી વિલિયમ્સે જણાવ્યું કે, તે ઓફિસથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે તેના ઘરની પાસે પોલીસોની ઢગલાબંધ ગાડીઓ ઊભી હતી. તેમજ પાસેની ત્રણ બિલ્ડિંગ્સમાં આગ લાગી હતી. વિલિયમ્સે કહ્યું કે, તે દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું. આ જોઈને સૌથી પહેલા મારા મનમાં એ જ વિચાર આવ્યો કે કદાચ ગેસ લીકેજનાં કારણે બ્સાલ્ટ થયા હશે. જો કે, હજી સુધી આ ઘટના કયા કારણોસર બની તેની સત્તાવાર રીતે પુષ્ટી કરવામાં આવી નથી.