સરકારનું વિકાસ પરવાનગી આપવાનું ૫૦૦ કરોડનું કાંડ : અર્જુન મોઢવાડિયા

1016
guj29102017-14.jpg

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ-તેલાવી ગામે ગોકુલધામ નામની મેગા ટાઉનશીપમાં ભાજપ સરકાર દ્વારા બાંધકામની વિકાસ પરવાનગી આપવામાં રૂ.૫૦૦ કરોડનું જબરદસ્ત કૌભાંડ આચર્યું હોવાના ગંભીર આક્ષેપો ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને સિનિયર નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજના વડપણ હેઠળ જયુડીશીયલ કમીશન નીમી ભાજપના ભ્રષ્ટાચારોની તપાસ કરાવડાવવા ઉગ્ર માંગણી કરી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ આજે એક પત્રકાર પરિષદમાં ભાજપના રૂ.૫૦૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ-તેલાવી ગામે ગોકુલધામ નામની મેગા ટાઉનશીપમાં ભાજપ સરકારે નિયમ વિરૂધ્ધ વિકાસ પરવાનગી આપી દીધી હતી. ઔડાના મુખ્ય કારોબારી અધિકારીની મંજૂરી વિના બારોબાર ઔડાના તત્કાલીન સિનિયર ટાઉન પ્લાનર નીલાબહેન મુન્શીએ રૂ.૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો અને તેથી આ અધિકારીને નિવૃત્તિ પછી ત્રણ વખત કરાર આધારિત પુનઃનિમણૂંક પણ આપવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં ખુદ મુખ્ય કારોબારી અધિકારી ડી.થારાએ જૂન-૨૦૧૪માં સરકારને રિપોર્ટ કરી જણાવ્યું હતું કે, જીડીસીઆર હેઠળ કોમ્પ્રીહેન્સીવે લે આઉટ અન્વયે મળવાપાત્ર દરેક માળે વધુમાં વધુ ૨૦ ટકા લેખે ગણીએ તો, ૨૦ ટકા ગ્રાઉન્ડ કવરેજ મળવાપાત્ર થાય, તેના બદલે ૪૫ ટકા સુધીના ગ્રાઉન્ડ કવરેજની મંજૂરી આપી દેવાઇ છે. આ સિવાય મળવાપાત્ર ૭.૫૦ મીટર ઉંચાઇના બદલે ૯.૫૦ મીટરની ઉંચાઇની મંજૂરી આપી દેવાઇ છે. જયારે કુલ ૭.૫૦ મીટર ઉંચાઇ એટલે કે, બે માળ મળવાપાત્ર હોવાથી કુલ બિલ્ટઅપ એરિયા ૪૦ ટકા એરિયા મળવાપાત્ર થાય તેને બદલે ૪૫ ટકા ગ્રાઉન્ડ કવરેજ મુજબ ત્રણ માળની મંજૂરી આફી દેવાઇ છે અને તેથી ૧.૨ એફએસઆઇની મર્યાદામાં ૧૨૦ ટકા બિલ્ટઅપ એરિયાની મંજૂરી આપી દેવાઇ છે. આ સમગ્ર ગેરરીતિ અને નિયમ વિરૂધ્ધની કાર્યવાહી છતાં ભાજપ સરકારના વગદાર બિલ્ડરને ગોકુલધામ ટાઉનશીપ માટે ગેરકાયદે રીતે વિકાસ પરવાનગી આપી દેવાઇ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સમગ્ર પ્રકરણમાં એડિશનલ કલેકટરની ઇન્કવાયરી ચાલતી હોવાછતાં સિનિયર નગર નિયોજક નીલાબહેન મુન્શીને પ્રમોશન આપી દવાયું હતું અને નિવૃત્તિ બાદ પણ ત્રણ-ત્રણ વખત કરાર આધારિત નિમણૂંક આપી દેવાઇ હતી.
આમ, ભાજપ સરકાર દ્વારા ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપીને સરકારની તિજોરીને રૂ.૫૦૦ કરોડનું નુકસાન પહોંચાડયું છે. મોઢવાડિયાએ સમગ્ર કૌભાંડમાં ન્યાયિક તપાસની માંગણી કરી હતી.

Previous articleશિયાળાની શરૂઆતે શાકભાજીના ભાવમાં ભડકો
Next articleરાહુલ ગાંધી ૩ નવેમ્બરે સાંજે સુરતમાં જંગી જાહેર સભા કરશે