ઈન્દોરમાં હજરત ઈમામ હુસૈનની શહાદતને સંભારવા માટે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. દાઉદી વહોરા સમાજ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સમાજના ૫૩મા ધર્મગુરુ સૈયદના મુફદ્દ સૈફુદ્દીન પણ ઉપસ્થિત રહ્યા હતા.
વહોરા સમાજના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ હતુ કે તેમના કાર્યક્રમમાં કોઈ વડાપ્રધાન હાજર રહ્યા હોય. શિવરાજસિંહની સરકારે વહોરા સમાજના ધર્મગુરુને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો પણ આપ્યો છે. વહોરા સમાજની સૈફી મસ્જિદમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે વહોરા સમાજની વચ્ચે આવવાથી મને દર વખતે નવી પ્રેરણા અને અનુભવ મળે છે. વહોરા સમાજે હંમેશા શાંતિનો સંદેશો આપ્યો છે. ઈમામ હુસૈન શાંતિ અને ન્યાય માટે શહીદ થયા હતા. શાંતિનો સંદેશો આપવાની શક્તિ જ આપણને દુનિયાથી અલગ પાડે છે. વહોરા સમાજ દુનિયાને આપણા દેશની તાકાત બતાવતો રહ્યો છે આપણને આપણા ભૂતકાળ પર ગર્વ છે. વર્તમાન પર વિશ્વાસ છે.
તેમણે કહ્યુ હતુ કે વહોરા સમાજની ભૂમિકા દેશભક્તિના સંદર્ભમાં સૌથી મહત્વની રહી છે. ધર્મગુરુ પોતાના પ્રવચનના માધ્યમથી વતનની માટી સાથે પ્રેમ કરવાની વાત કહે છે. વહોરા સમાજ સાથે મારો સબંધ બહુ જુનો છે. હું આ પરિવારનો સભ્ય છું. મારા દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. મારા જન્મદિવસ પહેલા મને આ પવિત્ર મંચ પરથી આશીર્વાદ મળ્યા છે.
મોદીએ આગળ કહ્યુ હતુ કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે આ સમાજે હંમેશા મને સાથ આપ્યો છે. કેટલીય વખત હું તેમના ધર્મગુરુને મળવા માટે ગયો છું. આજે સરકાર દેશના કરોડો ગરીબોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. વહોરા સમાજે પણ સ્વાસ્થ્ય માટે સમાજને મદદ કરી છે. આયુષ્માન ભારત થકી દેશના ૫૦ કરોડો લોકોને મેડિકલની મફત સુવિધા મળશે.
તેમણે કહ્યુ હતુ કે વહોરા સમાજના લોકોએ ૧૧૦૦૦ લોકોને ઘર આપ્યા છે. અમારી સરકાર પણ ૨૦૨૨ સુધીમાં તમામને ઘર આપવા માંગે છે. અત્યાર સુધીમાં અમારી સરકારે ૧ કરોડ લોકોને ઘરોની ચાવી સોંપી છે.
મોદીએ કહ્યુ હતુ કે વહોરા સમાજના લોકો ઈમાનદારીથી વ્યવસાય કરીને દેશ માટે નવો સંદેશ આપી રહ્યા છે. સરકારની નીતિઓના કારણે દેશમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે.