સયુંક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની 39મી બેઠક બાદ ભારતે ચીન અને પાકિસ્તાન બંને વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું. ભારતે ચીનના મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પરિયોજના હેઠળ આવતા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પર એકવાર ફરીથી પોતાનો વિરોધ સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ભારતે આ આંતરરાષ્ટ્રીય ફોરમમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બની રહેલા બંધ ઉપર પણ આપત્તિ વ્યક્ત કરી છે.
ભારતીય રાજદૂત વીરેન્દ્ર પોલે 39મી બેઠક દરમિયાન કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય CPEC પર ભારતના સ્ટેન્ડથી સારી રીતે પરિચિત છે. હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં ભારત તરફથી ડેપ્યુટી પર્મેનન્ટ રિપ્રેઝન્ટેટિવ પોલે કહ્યું કે કોઈ પણ દેશ એવા પ્રોજેક્ટને સ્વીકારી શકે નહીં જે તેમની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતાની મૂળ ચિંતા પર ધ્યાન આપે નહીં. અત્રે જણાવવાનું કે ભારત ચીનની બેલ્ટ એન્ડ રોડ પરિયોજના હેઠળ બનાવવામાં આવી રહેલા સીપીઈસીનો વિરોધ કરી રહ્યું છે.
કાઉન્સિલની 39મી બેઠક દરમિયાન ભારતે ચીન સાથે પાકિસ્તાન ઉપર પણ નિશાન સાધ્યું. ભારતે આ દરમિયાન ગિલગિટ બાલ્ટિસ્તાનમાં બનાવવામાં આવી રહેલા દિયામર બાશા બંધ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં. ભારતે કહ્યું કે તે પરિષદનું ધ્યાન તે તરફ ખેંચવા માંગે છે કે આ બંધના નિર્માણથી પાકિસ્તાન સિંધના લોકોના માનવાધિકારનો ભંગ કરી રહ્યું છે.
ભારતે કહ્યું કે પાકિસ્તાનના ચાર પ્રાંતોમાંથી 3 સિંધ, ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાનના લોકો અને કાયદા નિર્માતા તેનો વિરોધ કરી રહ્યાં છે. આ ઉપરાંત પીઓકે પણ તેનો વિરોધ કરી રહ્યું છે. ભારતે કહ્યું કે અમે માનવાધિકાર પરિષદને વિનંતી કરીએ છીએ કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ કરીને પાકિસ્તાનને આ પર્યાવરણ વિરોધી અને જનવિરોધી પગલું ભરતા રોકે. ભારતે કહ્યું કે આ બંધ સિંધના લોકો અને તેમની હજારો વર્ષ જૂની સભ્યતાને નષ્ટ કરી નાખશે.