રાહુલ ગાંધી ૩ નવેમ્બરે સાંજે સુરતમાં જંગી જાહેર સભા કરશે

918
guj29102017-16.jpg

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન આક્રમક તેવર લોકોની પ્રશંસા મેળવી રહ્યાં છે. તેઓ વિવિધ મંદિરોની મુલાકાત લઈને હિન્દુત્વને પણ અપનાવી રહ્યા હોઈ કોંગ્રેસનું હિન્દુ તરફી વલણ ચર્ચાસ્પદ બન્યું છે. તેમના ગુજરાત પ્રવાસનો અંતિમ પડાવ હવે દક્ષિણ ગુજરાત છે. આગામી તા.૧થી ૩ નવેમ્બર સુધીના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે તા.૩ નવેમ્બરની સાંજે રાહુલ ગાંધી સુરતના પૂર્વ વિસ્તારમાં જંગી જાહેર સભા સંબોધશે. જોકે અગાઉની ધારણા મુજબ રાહુલ ગાંધી ડાંગના શબરીધામના દર્શન કે સુરતમાં રોડ શો કરવાના નથી. જોકે ઉનાઈમાં ઉનાઈ માતાના મંદિરમાં દર્શનાર્થે જાય તેવી શક્યતા છે. તેમના આ પ્રવાસમાં અશોક ગહેલોત, ભરત સોલંકી સહિતના ટોચના નેતા જોડાશે.
આગામી તા.૧ નવેમ્બરથી દક્ષિણ ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ ખેડનારા રાહુલ ગાંધી ભરૂચ જિલ્લાથી તેનો આરંભ કરશે. સવારે અગિયાર વાગ્યે ભરૂચના જંબુસરથી ભરૂચ, અંકલેશ્વર, ઝંખવાવ, માંડવી વગેરે વિસ્તારોમાં લોકસંપર્ક કરી તેઓ રાતે વ્યારાના સર્કિટ હાઉસમાં રોકાશે. પ્રથમ દિવસનો પ્રવાસ આશરે ૧૭૦ કિમીનો કરશે. બીજા દિવસે એટલે તા.૨ નવેમ્બરે તેઓ વ્યારાથી ઉનાઈ, વાંસદા થઈને વાપી જશે. તેઓ રાતવાતો વાપી કે વલસાડના સર્કિટ હાઉસમાં કરશે.
દક્ષિણ ગુજરાતના પ્રવાસના છેલ્લા દિવસે તેઓ વલસાડથી બીલીમોરા, ગણદેવી થઈને સુરત જશે. સુરતમાં રોડ શોને બદલે  સુરતના પાટીદારોના ગઢ ગણાતા પૂર્વ વિસ્તારમાં સાંજે જંગી જાહેર સભા સંબોધીને તેઓ પરત દિલ્હી જવા રવાના થશે. તેઓ કુલ ૪૫૦ કિમીનો પ્રવાસ ખેડશે. પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહ તા.૭ નવેમ્બરે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે.

Previous articleસરકારનું વિકાસ પરવાનગી આપવાનું ૫૦૦ કરોડનું કાંડ : અર્જુન મોઢવાડિયા
Next articleઅલ્પેશ ઠાકોર આંદોલન કરવા ગયા હતા અને પાછા આવી ગયા : પરેશ ધાનાણી