ગીરનાર જંગલમાં પણ શરૂ કરાશે સિંહ દર્શન

1181

ચોમાસામાં અને શિયાળાની ઠંડીમાં ગીરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ગિરનાર અને સોમનાથ સહિતના વિવિધ પ્રવાસન સ્થળને માણવા માટે પ્રવાસીઓ દેશ-વિદેશથી આવતા હોય છે. ત્યારે સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ટુંક સમયમાં સિંહ દર્શન માટે વધુ એક સ્થળ ખુલ્લુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગીરમાં સિંહ દર્શન માટે આવતા સિંહ પ્રેમીઓને હવે બે જગ્યા પર સિંહ દર્શન કરવાનો લાભ મળશે. 15 ઓક્ટોબરથી ગિરનારના જંગલમાં પણ સિંહ દર્શન કરવા મળશે. રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. નજીકના દિવસોમાં જ દિવાળીનું વેકેશન પડશે, ત્યારે મોટી સંખ્યામાં સિંહ પ્રેમીઓ સિંહ દર્શન માટે ગીરમાં ઉમટી પડશે, ત્યારે સરકારના આ નિર્ણયથી પ્રવાસીઓનો ઉત્સાહ અને ઉમંગને બેવડાયો છે.

સિંહ પ્રેમીઓ માટે અત્યાર સુધીમાં સાસણ ગીરમાં સિંહ દર્શન કરાવવામાં આવતું હતું, હવે ગીરનારના જંગલમાં પણ સિંહના દર્શન કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવતા, બે જગ્યા પર દર્શન કરવાનો પ્રવાસીઓને લાભ મળશે. સાસણ ગીરની જેમ જ જીપ્સીમાં બેસીને સિંહ દર્શનની મજા માણી શકાશે. ગીરનારની ઉત્તર રેન્જમાં ઈન્દ્રેશ્વરથી પાતૂરણ વિસ્તારમાં સિંહ દર્શન કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગીરનાર જંગલમાં 50થી વધુ સિંહ પરિવાર વસવાટ કરે છે.

Previous articleઅમિત શાહ : તેલંગણામાં ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પર ચૂંટણી લડશે
Next articleદેશ ચલાવવા નાણાં નથીઃ ઈમરાન ખાન