મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ગાંધીનગરમાં પીડિયાટ્રીક કાર્ડિયાક સોસાયટી ઓફ ઇન્ડીયાના ૧૯માં ત્રિદિવસીય વાર્ષિક સંમેલનનો નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં દેશભરમાં પહેલરૂપ નિઃશૂલ્ક સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ-શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની ભૂમિકા આપતાં કહ્યું કે, ૦ થી ૧૮ વર્ષની વયના બધાજ બાળકોની આરોગ્ય તપાસણી સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. આ તપાસણી દરમ્યાન કોઇ બાળકને હ્વદયરોગ સહિતની અન્ય કોઇ ગંભીર બિમારી જણાય તો દેશમાં જ્યાં પણ શ્રેષ્ઠત્તમ સારવાર-ચિકીત્સા ઉપલબ્ધ હોય ત્યાં સરકાર જ આવા બાળકની સારવાર કરાવી આપે છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રાયમરી અને સેકન્ડરી લેવલની કાર્ડિયાક ચિકીત્સા સુવિધા માટે ગાંધીનગર અને સુરતમાં સેટેલાઇટ સેન્ટર શરૂ કરવાની પ્રક્રિયા સરકારે હાથ ધરી છે તેમ જાહેર કર્યુ હતું. આ ઉપરાંત સોલા (અમદાવાદ) તેમજ રાજકોટ સિવીલ હોસ્પિટલમાં અને વડોદરા તથા ઉત્તર ગુજરાતમાં આ પ્રકારના કાર્ડિયાક ચિકીત્સા સેટેલાઇટ સેન્ટર ભવિષ્યમાં શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે એમ તેમણે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ૧૯મી વાર્ષિક પીડિયાટ્રીક કોન્ફરન્સ માટે ગુજરાતને યજમાનપદ મળવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, ગુજરાત સરકાર માટે આજે ખુશીનો દિવસ છે કે બાળકોને હ્રદયરોગની સારવાર માટે સુપર સ્પેશ્યાલીસ્ટ ડૉકટરો અને સાધનો, સંશોધનોની ચર્ચા આજે થતાં તેનો સારા પરિણાામોનો લાભ ગુજરાતને મળશે.
હ્રદય રોગના કારણે બાળકોનું મોત ન થાય તેવા પ્રયાસો કરવા માટેની જવાબદારી આપણા સૌની છે. આ માટે રાજ્ય સરકાર સુપેરે ધ્યાન કેન્દ્રીત કરીને આયોજન કરી રહી છે. ગુજરાતની યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા આધુનિક ટેકનોલોજી થકી સારવાર આપવામાં આવે છે તેનો લાભ ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને એન.આર.આઇ. ગુજરાતીઓ લઇ રહ્યા છે. હ્રદયરોગની સારવાર મોંઘી છે ત્યારે ગુજરાતના નાગરિકોને સસ્તી સારવાર મળે તે માટે વિવિધ યોજનાઓ થકી સુવિધા પૂરી પાડવામાં આવે છે. યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટનો વ્યાપ વધારવા માટે રૂ. ૪૭૦ કરોડના ખર્ચે પ્રોજેકટ હાથ ધરાયો છે. જેનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે. તેમજ ૧૫૦૦ થી વધુ મેડીકલ, પેરામેડીકલ સ્ટાફ નિમણૂંક માટે પણ મંજૂરી આપી દીધી છે. જેના થકી વર્ષે રૂ.૧૫૦ કરોડનો બોજ સરકાર ઉપાડશે. હ્રદય રોગની સાથે સાથે આ હોસ્પિટલમાં કીડની, આંતરડા સહિતની સારવાર પણ વૈશ્વિકસ્તરની અપાય છે.
આ વાર્ષિક કોન્ફરન્સમાં તબીબી ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારા ત્રણ વરિષ્ઠ ડૉકટરોનું લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરાયું હતું. જેમાં વર્ષ-૨૦૦૪માં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને નવજાત શિશુમાં સૌ પ્રથમ એન્જીયોગ્રાફી જેવી જટિલ કાર્ડિયાક સર્જરીની શરૂઆત કરનારા જશલોક હોસ્પિટલના ડૉ. અશ્વિન મહેતા, સૌ પ્રથમ પેસમેકર પ્લાન્ટેશન કરનારા વી.એસ.હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ પ્રો. સુનિલ દલાલ ઉપરાંત ગુજરાતમાં સૌ પ્રથમ ઓપન હાર્ટ સર્જરી જેવી જટિલ સર્જરી કરનારા ડૉ. ડી.જી.યાજ્ઞિકનું મુખ્યમંત્રીએ શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું.