ગાંધીનગર જિલ્લામાં આવતી પાંચ વિધાનસભા બેઠકોમાં તા.૧૪મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને વધુ તેજ બનાવી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાની આ પાંચ બેઠકોમાં કુલ ૧૩૩૯ જેટલા મતદાન મથકો રહેશે જે પૈકી સૌથી વધારે ગાંધીનગર દક્ષિણ બેઠકમાં ૩૩૯ અને સૌથી ઓછા ગાંધીનગર ઉત્તર બેઠકમાં ૨૩૫ મતદાન મથકો રહેશે. ગુજરાતમાં ૧૮૨ વિધાનસભાની બેઠકો માટે ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવાની છે. ગઇકાલે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોનો બીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે તા.૧૪મી ડિસેમ્બરના રોજ આ પાંચ બેઠકો માટે મતદાન થશે. જેની ચૂંટણી પ્રક્રિયા તા.૨૦ નવેમ્બરથી શરૃ થઇ જશે. તો ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. ગઇકાલથી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું પાલન કરાવવા માટે ચૂંટણી અધિકારીઓને તાકીદ કરી દેવામાં આવી હતી. જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકમાં કુલ ૧૩૩૯ મતદાન મથકો થઇ ગયા છે જેથી આ મતદાન મથકોમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેની સ્કીમ બનાવવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠકમાં સૌથી વધારે ૩૩૯ મતદાન મથકો, દહેગામમાં ૨૫૫, ગાંધીનગર ઉત્તરમાં ૨૩૫, માણસામાં ૨૬૩ અને કલોલમાં ૨૪૭ મતદાન મથકોનો સમાવેશ થાય છે.
હવે આ મતદાન મથકોનો ગત ચૂંટણી અને ઇતિહાસને ધ્યાને રાખી સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરીને જરૃરીયાત મુજબનો ફોર્સ મંગાવવામાં આવશે. નોંધવું રહેશે કે, વિધાનસભાની ચૂંટણીમાં પોલીસ ઉપરાંત પેરામેલેટરી ફોર્સના જવાનોની પણ મદદ લેવામાં આવતી હોય છે. જેના આધારે સંવેદનશીલ અને અતિસંવેદશનશીલ મતદાન મથકોમાં આ ફોર્સનો ઉપયોગ કરવામાં આવશે.