સુમુલ ડેરીના ૫૫ કરોડના નવનિર્મિત ટેક હોમ રાશન – ટી.એચ.આર. પ્લાન્ટનો લોકાર્પણ કરશે

1138

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે ૧૭મી સપ્ટેમ્બર-૨૦૧૮એ સુરતમાં સુમુલ ડેરીના ૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ટેક હોમ રાશન ટી.એચ.આર પ્લાન્ટનો લોકાર્પણ કરશે.  રાજ્ય સરકારે કુપોષણમુક્ત ગુજરાતની નેમ સાથે આંગણવાડીના બાળકો, સગર્ભા-ધાત્રી માતા  અને કિશોરીઓને પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડવાની નેમ સાથે આ ટેક હોમ રાશન યોજના ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી અમલી બનાવી છે. આ ટેક હોમ રાશનમાં બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના નામ સાથે જે પૂરક પોષક આહાર તૈયાર કરાશે તેમાં ઘઉં, બેસન, સોયાબીન લોટ, ખાંડ, તેલ, મકાઈ, ચોખા અને વધારાના પોષક તત્વોનો સમાવેશ કરાશે. આ તત્વોમાંથી શીરો, સુખડી, રાબ, લાડુ જેવી ૩૦ પ્રકારની પોષક વાનગીઓ બની શકશે. મુખ્યમંત્રીના હસ્તે સુમુલ ડેરીના જે ટી.એચ.આર. પ્લાન્ટનું ઉદઘાટન થવાનું છે તે રોજના ૨૦૦ મેટ્રિક ટનનું ઉત્પાદન સંપૂર્ણ ઓટોમેટિક ટેકનોલોજીથી કરશે. સુમુલના આ ટી.એચ.આર.નો લાભ સુરત, તાપી, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલ એમ ૧૧ જિલ્લાની ૧૭૯૫૫  આંગણવાડીઓના ૬ લાખ ૩૦ હજાર ભૂલકાંઓ તેમજ ૬ લાખ ૯૯ હજાર ૦૬૪ સગર્ભા-ધાત્રીમાતાઓ અને કિશોરીઓને મળવાનો છે. આ પ્લાન્ટ ઉદઘાટન સાથે જ સૂપોષણ સપ્તાહના વિવિધ કાર્યક્રમો પણ સુરત જિલ્લા પંચાયત દ્વારા યોજાવાના છે. રાજય સરકારે ન્યૂટ્રીશીયન મિશનના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરેલી દોડવીર સરિતા ગાયકવાડ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવાની છે.

Previous articleસિવિલ હોસ્પિટલમાં ગણેશજીની પૂજા -અર્ચના કરાઇ
Next articleલાકરોડા ગામમાં બજરંગદાસ બાપાની જન્મજયંતિ ઉજવાઈ