દેશમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.સ્વચ્છ ભારત મિશન હેઠળ સરકારી તંત્ર દ્વારા સફાઇ રાખવામાં માટે અને જાગૃતિ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે.ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત કચેરી પાસેની ખુલ્લી જગ્યામાં ઝાડીઓ અને ધાસ ઉગી નિકળ્યુ છે.અને ગંદકી પણ ફેલાઇ છે.છતાં તંત્ર દ્વારા તેની સફાઇ ન કરાતાં મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે. દહેગામ તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડ માંજ વિવિધ રૂમોની પાછળની ખુલ્લી જગ્યામાં છેલ્લા કેટલાય સમયથી નાની ઝાડીઓ અને ચો તરફ ઘાસ ઉગી નિકળ્યુ છે.જેના કારણે ગંદકી અને કાદવ કિચડ પણ થવા પામ્યુ છે.કચેરીમાં બેસતા વિવિધ શાખાના અધિકારીઓની બારીઓ પાસે જ મોટુ ઉગેલુ ઘાસ અને ગંદકી નજરે પડતી હોવા છતાં તાલુકા પંચાયતના જવાબદારો દ્વરા તેની સફાઇ કરવામાં આવતી નથી.ઘાસ ઉગી નિકળવાના કારણે તે સ્થળે બનાવવામાં આવેલી મુતરડીમાં પણ જઇ શકાતુ ન હોવાના કારણે કેટલાક કર્મચારીઓ અને મુલાકાતીઓ જયાં ત્યાં પેશાબ કરે છે.
ઘાસમાં સાંપ વિંછી જેવા ઝેરી જીવજંતુની પણ પ્રબળ શકયતાઓ રહેલી છે. જેના કારણે કોઇ દિવસ પંચાયતમાં ફરજ બજાવતાં કર્મચારી કે મુલાકાતીના માથે જોખમ પણ છવાયેલુ છે. કચેરીની જગ્યામાં જયાં ઝાડી ઝાંખરા અને ઘાસ ઉગ્યુ છે. તેની બિલકુલ બાજુમાં કુમારશાળા આવેલી છે. ઘાસમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા શાળાના બાળકોને મચ્છરોના કારણે ડેંગ્યુ મલેરિયા જેવા જીવલેણ રોગ થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. જેથી તાલુકામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો કરનારી તાલુકા પંચાયતના સત્તાવાળાઓ તેમની કચેરીમાં જ સફાઇ કરાવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.