ગાંધીનગર જિલ્લા તથા ઉતર ગુજરાતમાં વરસાદની નબળી સ્થિતીને લઇને તળનાં પાણી દવલા થયા છે. ખેતપાકો પણ પાણીનાં અભાવે મુરાઝાવાની તૈયારીમાં છે. ત્યારે જિલ્લાનાં ચારેય તાલુકામાં મળીને ૫૮ તળાવોમાં નર્મદાનું પાણી ખેત સિંચાઇ માટે ઠાલવવાની દિશામાં તંત્રએ કવાયત હાથ ધરી છે. તંત્ર દ્વારા આ અંગે રીપોર્ટ પણ તૈયાર કરીને ઉપર મોકલી દેવાયો છે. જો કે પાણીનો લાભ તળાવોની આસપાસનાં ખેડુતોને મળશે.
ભાદરવાનાં આકરા તડકા શરૂ થતા પાકોમાં પાણીની તાતી જરૂરીયાત નિર્માણ થઇ છે. મધ્ય ગુજરાત- ઉતર ગુજરાતમાં વિકટ સ્થિતી નિર્માણ થતા સરકારને સરદાર સરોવરમાં પાણી ઓછુ હોવા છતા ખેતપાકોને ઉગારવા માટે પાણી છોડવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. ત્યારે જિલ્લામાં પણ કેટલા તળાવો પાણી ભરવા અનુકુળ છે અને વધુમાં વધુ ખેડુતોને લાભ મળી શકે છે તે અંગેનો રીપોર્ટ મંગાવાયો હતો. જિલ્લા તંત્ર દ્વારા આ અંગે સર્વે હાથ ધરાયો હતો.
જેમાં મુખ્ય નર્મદા કેનાલ પટ્ટાનાં કલોલ તાલુકામાં ૧૯ ગામોનાં તળાવો, ગાંધીનગર તાલુકાનાં ગામોના ૧૧ તળાવો, દહેગામ તાલુકાનાં ૧૭ તળાવો તથા મુખ્ય કેનાલથી દુર આવેલા માણસા તાલુકાનાં ૧૪ તળાવોની મુલાકાત કરીને પસંદ કરવામાં આવ્યા છે. જો આ ૫૮ તળાવોમાં પાણી નાંખવામાં આવે તો આસપાસનાં વિસ્તારનાં ખેડુતો તેમાંથી સિંચાઇ કરીને ં ખેતપાકોને પાણી આપી શકે તેમ છે તેવો રીપોર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ તે આસપાસનાં ખેડુતો પુરતુ મર્યાદીત રહેશે. જયારે બાકીનાં વિસ્તારોનાં ખેડુતોએ સિંચાઇની જ વ્યવસ્થા કરવાની રહેશે. ખેતીવાડી વિભાગનાં કહેવા પ્રમાણે ડાંગરને ભરપુર પાણી જોઇએ મગફળીમાં ડાઢાં બેસવાનાં સમયે પીળી પડવા લાગી ગઇ છે. ? તળાવોમાં પાણી નાંખવાથી ખેડુતોને મળી શકે તેવો રીપોર્ટ તો કરી દેવાયો છે. પરંતુ પાણી ક્યારે મળી શકશે તેવા સવાલો પણ થયા છે.
ચાલુ સાલે રાજ્યમાં ચોમાસાની સીઝનમાં અપૂરતો વરસાદ પડતા મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શક્યો નથી. તેના કારણે ખેતીના પાકને અણીના સમયે પાણી પૂરું પાડવા સરકારે આયોજન કરતા ગાંધીનગર જિલ્લાના ૫૮ તળાવમાં નર્મદાના નીર નાખી ખેતીના પાકને બચાવવા ઝુંબેશ હાથ ધરી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના એક વિસ્તારમાં તળાવને ઊંડું બનાવવાની કામગીરી ચાલી રહી છે.