દબાણ ઝુંબેશના વિરોધમાં વેપારીઓની મૌન રેલી

865

અમને બચાવોના પ્લેકાર્ડ સાથે આજે ગાંધીનગરના વેપારીઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી. સે-૨૨માંથી નીકળેલી આ રેલી સીધી પંચદેવ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં ભાજપનો સ્વચ્છતા હી સેવા પખવાડિયા ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું. ભાજપના સામિયાણાની સામે જ વેપારીઓ હાથમાં બેનર સાથે મૌન ધારણ કરી ઉભા રહી ગયા હતા. દરમિયાન ભાજપના નેતાઓનું અચાનક ધ્યાન પડતાં સળવળાટ થઈ ગયો હતો. પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ચાર પ્રતિનિધીઓને સાંભળ્યા બાદ ‘કંઈક કરીએ છીએ’ તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. વેપારીઓએ મેયરને આવેદનપત્ર આપી પો।તની વેદના ઠાલવી હતી.

જે રીતે કોર્પોરેશન આક્રમક બની છે તે જોતાં પાટનગરમાં ૫૦ ટકા ઉપરાંત વેપારીઓ અસરગ્રસ્ત બની જાય તેવી સ્થિતી છે. વેપાર-ધંધાને વ્યાપક અસર પહોંચશે. દિવાળીનો તહેવાર હવે સામે આવી રહ્યો છે, તે દરમિયાન જ કોર્પોરેશને આકરા તેવર બતાવ્યા છે. નોટિસોથી ફફડી ઉઠેલા વેપારીઓમાં ગઈકાલથી સળવળાટ શરૂ થયો હતો. આજે સવારે સે-૨૨માં વેપારીઓ ભેગા થયા હતા. ગાંધીનગર વેપારી એસોસિએશનના નેજા હેઠળ એક વિશાળ મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં વેપારીઓનું એકમાત્ર સુત્ર રહ્યું હતું, અમને બચાવો.  પંચદેવ મંદિરે ભાજપના કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સહિત મેયર, ડે મેયર ઉપરાંત ભાજપના અન્ય નેતાઓની હાજરી હતી. સે-૨૨માં એકત્રિત વેપારીઓને ખબર પડી કે ભાજપનો પંચદેવ મંદિરે જ કાર્યક્રમ છે આથી તે લોકોની શિસ્તબધ્ધ રેલી ત્યાં સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે રેલીને સે-૨૨ના ગ્રાઉન્ડમાં જવાની સુચના આપી અને ત્યાં મેયર, ડે. મેયર સહિતના દોડી આવ્યા હતા. વેપારીઓએ મેયરને પો।તનું આવેદન આપીને રજુઆત કરી હતી અને સીલીંગની કાર્યવાહી બંધ કરવા માટે અપીલ કરી હતી. મેયર પ્રવિણ પટેલે વેપારીઓને સાંભળીને પોતે સરકારમાં રજુઆત પહોંચાડશે અને પાટનગરમાં વસતી વધી છે તે સાથે કોમર્શિયલ પ્રવૃત્તિ પણ વધી છે. આથી વેપારીઓ માટે એક વાણિજ્ય ભવન બનાવવા માટે સરકારને રજુઆત કરશે તેવી ખાતરી આપી હતી.

રહેણાંક મકાનમાં દુકાનો અને શોરૂમ ખુલી ગયા છે. હોસ્પિટલો અને હોસ્ટેલો ચાલી રહી છે. રોડ પર પાર્કિંગની સમસ્યા સર્જાતાં હાઈકોર્ટે આકરું વલણ અખત્યાર કરતાં ધમધમાટ શરૂ થયો છે. શહેરમાં હાઉસિંગના જેટલા મકાનોની યોજના છે તે તમામ જગ્યાએ ગેરકાયદે પાકા બાંધકામો થવા સાથે કોમર્શિયલ બિલ્ડીંગ અને દુકાનો લોકોએ તાણી બાંધી છે. રહેણાંકના પ્લોટમાં કોમર્શિયલ બિલ્ડીંગ જે તે સમયે ઉભા થઈ ગયા છે. બેઝમેન્ટમાં પાર્કિંગની જગ્યામાં દુકાનો બનાવી દેવાઈ છે. પરંતુ અત્યારે લોકો હેરાન છે.

વધુ ત્રણ સેક્ટરોને નોટિસો આપવામાં આવી

ગઈકાલે સે-૬, ૩ અને ૨૨માં ટીમ પહોંચી હતી. આજે સે-૨૭, ૨૦ અને ૨૧માં ટીમે જઈને નોટિસો ફટકારી છે. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં રહેણાંકમાં વાણિજ્ય પ્રવૃત્તિ કરતાં એકમોને આપવામાં આવેલી નોટિસથી ખળભળાટ મચી ગયો છે. વેપારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. આગામી સોમવારથી ગાંધીનગરમાં સીલીંગની કામગીરી શરૂ થશે. જેને લઈને વેપારીઆલમ ચિંતીત છે. અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં ગેરકાયદે પાકા બાંધકામ અને વાણિજ્યિક પ્રવૃત્તિ સામે કાર્યવાહી શરૂ થઈ છે. છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની ટીમ દ્વારા સેક્ટરોમાં રહેણાંકમાં વાણિજ્ય પ્રવૃત્તિ કરતાં એકમોને નોટિસો આપવાનું શરૂ કર્યું છે. રહેણાંકમાં ચાલતી હોસ્પિટલોને પણ પોતાની પ્રવૃત્તિ બંધ કરી દેવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

તબીબોનું પ્રતિનિધિ મંડળ કમિશનર પાસે દોડી ગયું

સે-૭માં રહેણાંકમાં ચાલતી ૨૩ જેટલી હોસ્પિટલોને નોટિસ આપીને પ્રવૃત્તિ બંધ કરી દેવા કહેવામાં આવ્યુ છે. તબીબોની સ્થિતી કફોડી બની છે. હવે ધમધમતી હોસ્પિટલોને ક્યાં એકદમ ખસેડવી તેને લઈને પ્રશ્ન પેચીદો બન્યો છે. આજે તબીબોનું એક પ્રતિનિધિ મંડળ કોર્પોરેશનમાં કમિશનરને મળવા દોડી ગયું હતું અને રજુઆત કરી હતી. હોસ્પિટલોના સંચાલકોને આગામી દિવસમાં સીલિંગની ચીમકી આપી દેવામાં આવી છે. હાલમાં કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર માટે દાખલ છે. તબીબોને પોતાની પ્રેક્ટીસ અને દર્દીઓની ચિંતા છેડીને પોતાની ચિંતાએ દોડતા કરી દીધા છે.

Previous articleજિલ્લાના ૫૮ તળાવમાં નર્મદાના નીર ભરવા કવાયત
Next articleબોટાદ જિલ્લામાં ‘સ્વચ્છતા એ જ સેવા’ અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતા ઝૂંબેશનો શુભારંભ કરાવતા મંત્રી સૌરભભાઈ પટેલ