ભાવનગર જિલ્લાનાં સિહોર પોલીસ સ્ટેશનનાં પ્રથમમાળનાં દાદરા ઉપર આજે સાંજના સુમારે એક યુવકે આવીને થેલીમાં લાવેલો પેટ્રોલની બોટલ જાતે શરીર ઉપર છાંટી કાંડી ચાપી ભડભડ સળગી ઉઠતા હાજર પોલીસ જવાનો ચોકી ઉઠ્યા હતા અને મહા મહેનતે આગ બુજાવી ગંભીર હાલતે પ્રથમ સિહોર અને બાદમાં ભાવનગર હોસ્પિટલ ખસેડાયો હતો બનાવની જાણ થતાની સાથે જ સિહોર પો.સ્ટે.ખાતે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તુરંત ડીવાયએસપી, એલ.સી.બી., એસ.ઓ.જી. સોનગઢ સહિતનો પોલીસ કાફલો સિહોર પો.સ્ટે. દોડી ગયો હતો બનાવ અંગે સનસનાટી મચી જવા પામી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધવા પામ્યુ છે ત્યારે હવે પોલીસ મથકમાં આવીને આપઘાત કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં સિહોર પો.સ્ટે.માં આજે સાંજના સાડા પાંચ વાગ્યાનાં સુમારે એક યુવક થેલી લઈને આવ્યો હતો અને કામ છે કહી પ્રથમ માળનાં દાદરે પહોચ્યો હતો જ્યાં તેની પાસે રહેલી થેલીમાંથી પેટ્રોલ (જવલનશીલ પદાર્થ)ની બોટલ કાઢી પોતાનાં શરીર ઉપર છાંટી કાંડી ચાપી ભડભડ સળગ્યો હતો આ બનાવથી પો.સ્ટે.માં રહેલા પોલીસ સ્ટાફ પણ ડઘાઈ જવા પામેલ અને મહા મુસીબતે તેને ઓલવી તુરંત જ ગંભીર હાલતે પ્રથમ સિહોર બાદમાં ભાવનગર સર ટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો બનાવની જાણ થતા લોકોનાં ટોળો ટોળા એકઠા થયા હતા. અને તુરંત જ ડીવાયએસપી, એલ.સી.બી., એસ.જી., સોનગઢ પોલીસ, એફએસએલ. સહિતનો કાફલો તેમજ દલીત સમાજનાં આગેવાનો સિહોર પો.સ્ટે. ખાતે દોડી આવ્યા હતા પ્રાથમિક પુછપરછમાં ભોગ બનનારે તેનું નામ ગીરીશ જીવરાજભાઈ બારૈયા હોવાનું અને બુટલેગરે ધમકી આપ્યાનું સિહોર પો.સ્ટે. ખાતે ખુલવામાં આવ્યુ હતું.
ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડાયા બાદ તુરત જ એસ.પી.પી. એલ માલ હોસ્પિટલ દોડી ગયા હતા અને યુવકને મળીને પુછપરછ કરી હતી દલીત સમાજનાં આગેવાનો પણ હોસ્પિટલ પહોચી ગયા હતા.
આ બનાવ અંગે એસ.પી.એ જણાવ્યા મુજબ બે દિવસ પૂર્વે સિહોરમાંથી બુટલેગર જયેશ ભામજીનો ૧૨૧ પેટી ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો હતો તેની માહિતી ગીરીશે પોલીસને આપી હોવાનું જણાવી જયેશે ગીરીશને ધમકી આપી હોવાનું ગીરીશે પુછપરછ દરમ્યાન જણાવ્યું હોય બુટલેગર જયેશ સામે ધમકી આપવા ઉપરાંત મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ ભોગ બનનાર ગીરીશ પોલીસનો બાતમીદાર હોવાનું ચર્ચાઈ રહ્યુ હતું.
આ બનાવ બનતા સિહોર સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચીજવા પામી છે. અને પોલીસ દ્વારા પણ જયેશ ભાણજી સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.