પાકિસ્તાને પોતાના પ્રથમ મુકાબલામાં રવિવારે હોંગકોંગને સરળતાથી ૮ વિકેટથી હરાવી દીધુ. હવે પાકિસ્તાનનો આગામી મુકાબલો ૬ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ સાથે થશે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે આ મુકાબલા બાદ કહ્યું કે તેમની ટીમમાં કેટલાક સુધાર કરવાની જરૂર છે.
પાકિસ્તાનનાં કેપ્ટને હોંગકોંગ પર જીત હાંસલ કર્યા બાદ કહ્યું,’એક કેપ્ટન તરિકે જોઇએ તો મને કેટલીક વસ્તુઓમાં સુધાર કરવાની જરૂર પડી. મને લાગ્યુ કે, અમે આ મુકાબલો ૯-૧૦ વિકેટથી જીતી શક્તા હતાં પરંતુ અમારી ૨ વિકેટ પડી ગઇ.
નવા બોલમાં અમે વધુ સારૂ પ્રદર્શન કરી શક્તા હતા, મને લાગે છે કે, આ ક્ષેત્રમાં સુધાર કરવો જરૂરી છે, નવો બોલ અમારા માટે સ્વિંગ કરી રહ્યો ન હતો. જે અમારા આવનારા અભિયાન માટે યોગ્ય નથી. અમે આ પર અમારા આવનારા પ્રેક્ટીસ સેશનમાં કામ કરીશુ.
ભારત વિરૂદ્ધ થનારા મુકાબલા માટે પાકિસ્તાન કેપ્ટને કહ્યું,’અમારો હવે ભારતીય ટીમ સામે સામનો થવાનો છે. જો અમારે આ મેચ જીતવી છે તો બોલિંગ, બેટિંગની સાથે-સાથે ફિલ્ડિંગમાં પણ અમારૂ સર્વશ્રેષ્ઠ આપવું પડશે.’ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મુકાબલો ૧૯ સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માના હાથમાં રહેશે.