વ્યક્તિ વિકસે, વિરસે પૂર્ણ તે વતનને ક્યારે ના વિરસે, વતનની વાટે અને વિકાસની વાટે વતનપ્રેમી હંમેશા તત્પર હોય છે અને આ વિચારધારા ધરાવતા વનનપ્રેમી ઝાલાવાડીયા પરિવાર દ્વારા દુધાળા ગામે પ્રવેશદ્વારનું લોકાર્પણ અને વયવંદના કાર્યક્રમ યોજાયો હતો.
પાલીતાણાના દુધાળા ગામે આજરોજ વતનપ્રેમી એવા દુધાળા ગામના વતની કાળુભાઈ મોહનભાઈ ઝાલાવાડીયા દ્વારા બનાવેલ પાલીતાણા-ગારિયાધાર રોડ પર આવેલ દુધાળા ગામના પ્રવેશ પર ભવ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું. જેને ગામ લોકોને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે સવારના આઠ થી બપોરના બે વાગ્યા સુધી મહાકાલી માતાના યજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવેશદ્વારના લોકાર્પણ માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, અમદાવાદ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સાંજના સમયે દુધાળા ગ્રામ વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વયવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને દિપાવવા સુરતના હિરા ઉદ્યોગના અગ્રણીઓ, બિલ્ડરો તેમજ અમદાવાદના ઉદ્યોગપતિઓ અને રાજકિય આગેવાનો અને અધિકારીઓ ખાસ હાજરી આપી હતી અને નરેશભાઈ પટેલ દ્વારા પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.