ભાવનગર જિલ્લાનાં સિહોર પોલીસ મથકમાં ગઈકાલે સાંજના સુમારે યુવાન પેટ્રોલ ભરેલો શીશો લઈ ઘસી આવી પોતાના શરીરે છાંટી દીવાસળી ચાંપી દઈ જાતેથી સળગી જતાં પોલીસ મથકમાં ભાગદોડ મચી જવા પામી હતી અને પોલીસ મથકમાં હાજર પોલીસ કર્મચારીઓએ તુરંત સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં રાત્રીના ૧૧-૪૫ વાગે યુવાનનું મોત નીપજવાં પામ્યુ હતું.
બનાવની મળતી વિગત મુજબ શિહોરની એકતા સોસાયટીમાં રહેતા ગીરીશભાઈ જીવરાજભાઈ બારૈયા નામનો યુવાન ગઈકાલે સાંજે સિહોર પોલીસ મથકમાં ઘસી આવી ઉપરનાં માળે જઈ પોતાની પાસે રહેલ પેટ્રોલનો શીશામાંથી પોતાની જાત પર પેટ્રોલ છાંટી જાતેથી સળગી જતાં પોલીસ મથકમાં અચાનક ભાગદોડ મચી જવા પામી હતી અને હાજર રહેલ પોલીસ કર્મીઓએ તેને તાબડતોબ સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને એસ.પી.એ ગંભીર રીતે દાઝેલા ગીરીશભાઈની સાથે ચર્ચા કરી હતી. બાદ સારવાર અર્થે ખસેડાતાં જ્યાં રાત્રીનાં ૧૧-૪૫ વાગે ગીરીશભાઈનું મોત નિપજવા પામ્યુ હતું.
બનાવ અંગની મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોરના એકતા સોસાયટી વિસ્તારમાંથી પોલીસે બે દિવસ પૂર્વે મસમોટો દારૂનો ઝથ્થો ઝડપી લીધો હતો જે અંગે સિહોરનાં કુખ્યાત બુટલેગર જયેશ ભાણજીભાઈ નામનાં વ્યક્તિએ ગીરીશભાઈ બારૈયાને પોલીસને બાતમી આપી છે અને ધમકીઓ આપતાં ગીરીશભાઈએ આ પગલું ભર્યુ હોવાનું સમગ્ર સિહોરમાં ચર્ચાઈ રહ્યુ હતું.
બનાવમાં સિહોર પોલીસ મથકમાં ટેલીફોનિક વાતચીત કરતાં હાલ કોઈ વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ ન હોવાનું જણાવ્યું હતું.
બનાવની જાણ થતાં તાબડતોબ સર ટી હોસ્પિટલ દોડી ગયેલાં એસ.પી. માલ સાથે સમગ્ર નબાવ અંગે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે મે જ્યારે ગીરીશભાઈ સાથે ચર્ચા કરી ત્યારે તે ગંભીર રીતે દાઝેલા હતા અને સ્પષ્ટ કોઈ વાત કરી શકતાં ન હતા બાદ મામલતદાર ગીરીશભાઈનું નીવેદન (ડી.ડી.)લેવા આવ્યા ત્યારે ફરજપરના તબીબે સારવાર શરૂ હોય બાદમાં નીવેદન લેવાનું જણાવ્યું હતું ત્યાં સારવારમાં ગીરીશભાઈનું મોત નીપજ્યુ હતું. બનાવ અંગે પોલીસ ફરીયાદમાં મૃતકનાં પરિવારજનો સંમત થતા નથી જો કોઈ ફરિયાદ આપે તો અમે આગળની કાર્યવાહી કરી શકીએ. તેમજ પોલીસ ફરિયાદ થઈ શકે કે કેમ તે બાબતે પુછતાં તેમણે ઓફીશ્યલી ડી.ડી. ન હોવાને કારણે ફરીયાદ ન થઈ શકે અને કપરા સંજોગોમાં જ પોલીસ ફરીયાદી થાય તેમ જણાવ્યું હતું. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.