ચીનની મદદ મળતી હોય એવા દેશોને ચેતવણી આપતાં લશ્કરના વડા જનરલ બિપિન રાવતે પૂણેમાં કહ્યું કે જે દેશોએ ચીન પાસેથી આર્થિક મદદ લીધી છે,તેમને ટૂંક સમયમાં જ અહેસાસ થશે કે કંઇ પણ મફતમાં મળતું નથી. તેઓ બિમ્સ ટેક સૈન્ય અભ્યાસ ૧૮ના સમાપન સમારોહમાં મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.
હાલમાં જ નેપાળ અને ચીનની વચ્ચે સબંધો ગાઢ બન્યા છે. એ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં જનરલ રાવતે કહ્યું કે, કોઇ પણ દેશ જે આર્થિક વિકાસ કરવા ઇચ્છે છે તેણે તેને દ્વીપક્ષીય કે બહુપક્ષીય સહયોગના માર્ગ શોધવા પડે છે. ચીનની પાસે પૈસા છે, તો હવે તે બહુ ખર્ચ કરી રહ્યું છે, પરંતુ જે દેશ એવી મદદ લઇ રહ્યા છે.
તેને થોડા સમયમાં જ સમજાઇ જશે કે કંઇ પણ મફતમાં મળતું નથી.
સૈન્ય વડાએ કહ્યું કે એવા સબંધ અસ્થાયી હોય છે અને જે રીતે વૈશ્વિક સામાજિક- આર્થિક પરિદૃશ્ય બદલાય છે, તે મુજબ આ સબંધ પણ બદલાઇ જશે. જનરલ રાવતે કહ્યું કે, તેનું સૌથી યોગ્ય ઉદાહરણ અમેરિકા અને પાકિસ્તાનની વચ્ચે સબંધ છે, જે હવે એવા રહ્યા નથી. એ સંજોગોમાં એવા અસ્થાયી જોડાણને લઇને ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણી અર્થ વ્યવસ્થાને મજબુત બનાવવી પડશે.
દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં પ્રભાવ પાડવા માટે બંને દેશો એક બીજાની પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. સૈન્ય વડાએ કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ આતંકવાદના જોખમને ઓછો કરવામાં મદદ કરશે.