શીખ સમાજના અત્યંત મહત્વના એવા કરતારપુર સાહીબ ધર્મસ્થળને લઈને કરતારપુર કોરિડોર મુદ્દે નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાનમાં વર્તનને લઈને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આકરી ઝાટકણી કાઢી હોવાનું જણાયું છે. શીખ ધર્મસ્થળના મુદ્દાને વધુ પડતું રાજકીય રૂપ આપવા બદલ સુષમા સ્વરાજે સિદ્ધુને ઝાટકતા કહ્યું હતું કે તેમનું પાકિસ્તાન મુલાકાત દરમિયાન વર્તન યોગ્ય નહતું. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સુષમાએ સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાનની શપથવિધિ કાર્યક્રમમાં કોંગ્રેસના પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પાક. સેનાના વડાને ગળે મળ્યા હતા જેને લઈને ચોમેરથી વિવાદ ઉઠ્યો હતો.
સુષમા સ્વરાજે મુલાકાત દરમિયાન સિદ્ધુને જણાવ્યું કે શીખ ધર્મસ્થળ એવા કરતારપુર કોરિડોર મુદ્દે વધુ પડતું રાજકીય રૂપ આપવું અયોગ્ય છે. આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેથી કાળજીપૂર્વક આગળ વધવું જોઈએ.
સિદ્ધુએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને શીખ ધર્મસ્થળ એવા ઐતિહાસિક કરતારપુર સાહિબ ગુરુદ્વારા જવા માટે શીખ ધર્મગુરુ ગુરુ નાનક દેવના ૫૫૦ની જન્મજયંતી નિમિત્તે સીધો પ્રવેશ આપવા તૈયારી દર્શાવી છે. ભાજપના સહયોગી શીરોમણી અકાલી દળ દ્વારા આ દાવાને ફગાવી દેવાયો હતો.