સોમવાર તા. ૧૭-૯-ર૦૧૮ના દિવસે એચ.એફ. ઈન્ટીરીયર્સના હાતીમભાઈના સૌજન્યથી પુત્રી રૂપે લક્ષ્મીજી પધાર્યાની ખુશીમાં તે જ દિવસે સાંજે ગ્રીનસીટી દ્વારા રપ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી આ દિવસને યાદગાર બનાવ્યો હતો.
હાતીમભાઈએ પુત્રી જન્મ પ્રસંગે ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે ભાવિ પેઢીની સુરક્ષા માટે આજે પર્યાવરણ બચાવવું ખુબ જ જરૂરી થઈ ગયું છે. અને આ હેતુથી જ મેં આ પ્રસંગે વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું હતું.
તેમણે ગ્રીનસીટી સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે ખરેખર ગ્રીનસીટીએ ભાવનગરને થોડા જ વર્ષોમાં હરીયાળુ બનાવી દીધું છે અને હજુ વધુને વધુ વૃક્ષારોપણ દ્વારા શહેર બેંગ્લોર જેવું ગ્રીનસીટી બની જશે.
રબ્બર ફેકટરી પાસેના ડીવાઈડરમાં કરવામાં આવેલા વૃક્ષારોપણમાં હાતીમભાઈના સમગ્ર પરિવારે ભાગ લીધો હતો અને સૌએ વૃક્ષારોપણ કર્યું હતું. હાતીમભાઈના પિતાશ્રી ફકરૂદીનભાઈ કપાસી, તેમનો ભાણીયો શહાબ, ભાણકી અલીશા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આજરોજ રાધાઅષ્ટમી હોવાથી તે નિમિત્તે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણમાં ગ્રીનસીટીના પરેશભાઈ શાહ, મેઘા જોશી, જયનમ શાહ, અલકાબેન મહેતા સ્મીત શાહ વગેરે સભ્યો હાજર રહ્યા હતાં.