ગાંધીનગર ખાતે ઘ-૪ પાસે સેન્ટ્રલ વિસ્ટા ખાતે આવેલી સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમાથી વિધાનસભા સુધી રન ફોર યુનિટીનો કાર્યક્રમ તા. ૩૧મી ઓકટોબર, ૨૦૧૭ ના રોજ સવારના ૭.૦૦ કલાકે યોજાશે. આ રેલી સેન્ટ્રલ વિસ્ટા ખાતે સરદાર પટેલની પ્રતિમાથી ટાઉનહોલ થઇને વિધાનસભા પ્રટાંગણમાં મહાત્મા ગાંધીની પ્રતિમાએ પુરી થશે.
સરદાર વલ્લભાઇ પટેલની જન્મજયંતિ પ્રસંગે રનફોર યુનિટી કાર્યક્રમના આયોજન માટે યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર એમ.એ. ગાંધીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેકટર સીતશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
ઘ-૪, સેન્ટ્રલ વિસ્ટામાં આવેલી સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમા પાસેથી શરૂ થનાર રન ફોર યુનિટીને રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંગ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવશે. આ પહેલા તેઓ રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવશે. આ પ્રસંગે પોલીસ બેન્ડ અને બી.એસ.એફ. ના બેન્ડ દ્વારા સંગીત – સુરાવલીનો અનેરો કાર્યક્રમ પણ યોજાશે. રન ફોર યુનિટીમાં શાળાના બાળકો, શિક્ષકો, બી. એસ. એફના જવાનો, પોલીસ, રમતવીરો, અને સાંઇ તથા નહેરૂ યુવા કેન્દ્રના મળી કુલ- ૨૦૦૦ લોકો જોડાશે. વિધાનસભા પ્રટાંગણમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સમાપન પ્રસંગે સ્વચ્છતા અંગે પણ શપથ લેવડાવવામાં આવશે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમમાં શહેરીજનોને વિશાળ સંખ્યામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એચ.એમ. જાડેજા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.