ક્રોધને કાબુમાં રાખો, આરોગ્યના મધુરા ફળો ચાખો !

1319

ઘણાને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે. સ્વભાવગત કે વારસાગત રીતે મળતો આ દુર્ગુણ અનેક રોગોને વકરાવવામાં કે વધારવામાં કારણભૂત છે. સતત, સઘન અને હૃદયપૂર્વકના પ્રયત્નો વડે ક્રોધને કાબુમાં રાખી શકાય છે. ગુસ્સાવાળો સ્વભાવ ધરાવનારા અન્ય લોકો પર અવિશ્વાસની લાગણી રાખે છે. ઉપરાંત આવા લોકો કામમાં ઢીલા, ધીમા, શુષ્ક મુંજી સ્વભાવના અને અધીરા હોય છે.

એક સર્વેક્ષણ પ્રમાણે ર૦ થી રપ ટકા લોકો ક્રોધીત વ્યક્તિત્વ ધરાવે છે. જ્યારે ૧પ થી ર૦ ટકા લોકો તેનાથી ઉલ્ટી પ્રકૃતિના દરેક બાબતને હળવાશથી લેનારા હોય છે. બાકીના ૬૦ ટકા બન્નેની વચ્ચે હોય છે. ગુસ્સાની પ્રકૃતિવાળાઓ મોટેભાગે નકારાત્મક વલણ (નેગેટીવ એટીટ્યુડ) ધરાવનારા અને પોકળ આક્રમકતાવાળા હોય છે. અધિકારની લાગણી તેઓમાં ઘટે છે. જો દિવસમાં ત્રણ કે તેથી વધુ વાર ગુસ્સો આવતો હોય તો તે તન-મનના સ્વાસ્થ્ય માટે નુકશાનકર્તા છે. ધીરે ધીરે આ ગુસ્સો ક્રમશઃ વધતો જાય અને તેને પધ્ધતિસર રીતે કાબુમાં ન લેવાય તો તે ભયજનક બને છે. ગુસ્સાને નિયંત્રીત રાખવાની બી.પી. કાબુમાં ન લેવાય તો તે ભયજનક બને છે. ગુસ્સાને નિયંત્રિત રાખવાથી બી.પી. કાબુમાં રહેવા ઉપરાંત સેંકડો મનો શારીરિક રોગોને ટાળી શકાય છે. ગુસ્સો આવે કે તુરંત જ મનમાં કે મોટેથી ૧ થી ર૦ ગણવાનું શરૂ કરી, સ્વદોષ દર્શન (પોતાના અવગુણો હૃદયપૂર્વક નિહાળવા) કરી પરદોષદર્શન શક્ય તેટલું ઘટાડવાની પ્રક્રિયા મનમાં શરૂ કરી દેવી. અહંને તત્ક્ષણ ડામવા પ્રયત્ન કરવો. કારણ કે મોટેભાગે અહં ગુસ્સાને જન્મ આપે છે. ક્રોધ આવે ત્યારે બે ત્રણ ગ્લાસ પાણી પી જવું અને અન્ય સ્થળે જતાં રહેવું. ઉંડા શ્વાસ દસ વાર લેવા અને છોડવા. જેથી પૂનઃ વિચારણા માટે થોડો સમય મળી રહે.

શાંત થવાય ત્યારે જાત સાથે સંવાદ કરીને સ્વને પુછવું કે (૧) શું આ ક્રોધ કરવો ખૂબ આવશ્યક હતો ? (ર) શું મારો ગુસ્સો ઉચિત હતો ? (૩) આમ ગુસ્સે થવાથી પરિસ્થિતિ બદલાશે ? (૪) શું આ પગલું યોગ્ય હતું ? મનોવિશ્લેષણકરી તેના કારણો શોધી રાત્રે સુતા પહેલા તેના નિવારણના પગલા વિચારવા. તેના પર મનન કરી તેના ઉપાયો અમલમાં મુકવા માટે સતત, સઘન (સંનિષ્ઠ) અને સહૃદયી પ્રયત્નો રોજબરોજ પાકે પાયે કરવા. ક્રોધના વિકલ્પો શોધવા. જરૂર પડે તો મિત્રો, વડીલો કે ગુરૂની સલાહ વિનાસંકોચ લેવી. મનના વિચારોને સ્પષ્ટતાથી લખવાની સુટેવ કેળવવી. હકારાત્મક વલણ માટે યોગ્ય પગલા લેવા. આ વિશેની ઉત્તમ પુસ્તિકા વારંવાર વાંચવી.

બધા ઉપાયો કરવા છતા ક્રોધ કાબુમાં ન આવે (એટલે કે ગુસ્સારૂપી મહારોગ ન મટે) તો મનોચિકિત્સકને મળવું. કારણ કે ક્રોધ એ એક વ્યાધિ (રોગ) છે. તબીબ આપને ધ્યાન, મેડીટેશન, ઉંડા શ્વાસની પ્રક્રિયા (ડીપ બ્રીધીંગ) શીખવવા ઉપરાંત દરેક વાતને હળવાશથી અને સળવાશથી (લાઈટલી એન્ડ સાઈટલી) લેવા માટે વિચાર વિમર્શ, હુંફાળો સંવાદ (કાઉન્સેલીંગ) કરશે. જે ક્રોધ રોગને મટાડવામાં ઘણો જ ઉપયોગી થશે.

ક્રોધ આવે ત્યારે ઉંડા શ્વાસ લેવા

મોટેભાગે આ અનિવાર્ય અનિષ્ટ છે. પરંતુ સતત દિલી પ્રયત્ન કરવાથી પરિણામ આવવાની શક્યતા ખરી. અહંકારને છોડવાથી કે ઘટાડવાથી ઘણો લાભ થાય છે. તાત્કાલિક કાબુમાં લાવવા માટે એકથી સો ગણવા, ઉંડા શ્વાસ લેવા, જગા બદલવી, સ્વદોષ દર્શન, તત્ક્ષણ. (તે જ વખતે પોતાની ભુલ જોવી) બે ત્રણ ગ્લાસ પાણી પીવું. ગુસ્સો શમી ગયા પછી તેનું વિશ્લેષણ (એનાલીસીસ) કરી મિત્રો, વડીલો કે ગુરૂની ખુલ્લા દિલે સલાહ માંગવી. છેલ્લા ઉપાય તરીકે મનોચિકિત્સકને મળવું. કારણ કે અમુક વ્યક્તિમાં તે તીવ્ર રોગનું સ્વરૂપ પકડી લે છે. આ બિમારીની માલિક પાસે શફા (મુક્તિ) માંગવી. દરેક વાતને હળવાશથી લેવી તથા દરેક પ્રત્યે પ્રેમભાવ રાખવાની વૃત્તિ અને તિરસ્કાર ભાવ ઘટાડવાની વૃતિ કેળવવાથી મોટેભાગે ઘણો ફાયદો થાય છે.

– ડો.એસ.એસ. વરતેજી

Previous articleઘોઘા ગામે ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે