ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં કાયદેસર તથા ગેરકાયદેસર રેતીનાં રાત દિવસ ચાલતા ખનનનાં કારણે આસપાસનાં ગામડાઓમાં માટે નદી જોખમી બની રહી છે. ત્યારે ગાંધીનગર તાલુકાનાં દોલારાણા વાસણાને અડીને નદીનાં પટમાં શાળા તથા મંદિરની નજીક રેતીનાં ખનનનાં કારણે પાણીમાં ખાડામાં ડુબી જવાની મોતનાં બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે નિયમોનો ભંગ કરીને લીઝ આપવા સામે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવી અન્યત્ર ખસેડવાની માંગણી કરવામાં આવી છે.
દોલારાણા વાસણા ગામ પાસે નદીમાં રેતીનાં ખોદકામનાં કારણે જોખમ નિર્માણ થયુ છે. નિયમોનુંસાર મંદિર, મસ્જીદ, શાળા જેવા જાહેર સ્થળોની આસપાસનાં ૫૦ મીટર સુધી ખોદકામ કરી શકાતુ નથી. પરંતુ વાસણામાં મંદિર તથા શાળાની પાસે નજીકનાં અંતરમાં લીઝને મંજુરી આપી દેવાનાં કારણે કેનારા સુધી ખોદકામ થઇ ગયુ છે.
જેના કારણે પીંપળજથી ભણવા આવતા બાળકો માટે પણ જોખમ નિર્માણ થયુ છે. થોડા મહિના પહેલા બે લોકોનાં ડુબી જવાથી મોત થયા હતા. અગાઉ પણ ડુબી જવાથી મોતનાં બનાવો બની ચુક્યા છે. જયારે નદીમાં વધારે પાણી આવે તો ખાડાનાં કારણે કાંઠા સુધી આવવાનાં કારણે ધોવાળની પણ શકયતા છે. શાળા તંત્ર દ્વારા પણ પંચાયતનું બાબતે ધ્યાને દોરવામાં આવ્યુ હતુ અને ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. જે અંગે ખાણ ખનીજ તથા કલેકટરમાં પણ રજુઆત કરાઈ છે.