૨૦૧૯માં આવનાર લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં તમામ પક્ષો લાગી ગયા છે. ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં જો તેઓ વડાપ્રધાન બને છે તો સૌથી પહેલાં આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપનાર કેટેગરીની ફાઇલ પર હસ્તાક્ષર કરશે. રાજ્યના કરનૂલ જિલ્લામાં મંગળવારના રોજ એક સભાને સંબોધિત કરતાં સમયે રાહુલ ગાંધીએ કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદ કૉંગ્રેસ પાર્ટીનું આ પહેલું પગલું હશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્યને ખાસ દરજ્જો આપવો કેન્દ્ર સરકારની જ જવાબદારી છે નહીં કે ગિફ્ટ. હું રાજ્યની વહેંચણી સમયે અહીંના લોકોને કરાયેલા વચનો અંગે જાણું છું. પરંતુ ભાજપે ખાસ દરજ્જો આપવાની રાજ્યને ના પાડી આંધ્રપ્રદેશના લોકો સાથે છેતરપિંડી કરી છે. જો કોઇ કારણસર હું આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો અપાવામાં અસફળ રહ્યો તો રાજ્યમાં પગ મૂકીશ નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્યના નબળા જિલ્લાને પણ ખાસ સહાયતાની જરૂર છે. કૉંગ્રેસમાં એ વાતને લઇ પૂરી સ્પષ્ટતા હતી કે રાજ્યનો વિકાસ એક સમાન હોવો જોઇએ અને કહ્યું કે તેમની પાર્ટી આમ કરવા માટે પ્રતિબદ્ધ હતી. ૨૦૧૪મા રાજ્યની વહેંચણી બાદ બીજી વખત આંધ્રપ્રદેશ પહોંચનાર રાહુલ ગાંધીએ જીએસટી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા, કૃષિ ક્ષેત્રમાં સંકટ, બેરોજગારી, ભ્રષ્ટાચાક, મહિલા સુરક્ષા, બેન્કિંગ અને અન્ય મુદ્દા પર પૂછાયેલા કેટલાંય પ્રશ્નોના જવાબ આપ્યા.
રાહુલ ગાંધીએ આરોપ મૂકયો કે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિઓને દેશને લૂંટવાની મંજૂરી આપી રહ્યાં છે. તેની સાથે જ કૉંગ્રેસ અધ્યક્ષે મહિલાઓની બરાબરીના મુદ્દા પર પણ વાત કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે મોટાભાગના ભારતીય પુરુષ, મહિલાઓને બરાબર જ માનતા નથી. આ એટિટ્યુડને બદલાની જરૂરિયાત છે. મારું એ માનવું છે કે મહિલાઓ પણ પુરુષોની જ બરાબર હોય છે અને તે બધું જ કરી શકે છે, જે પુરુષ કરી શકે છે.