એશિયા કપ ક્રિકેટના બ્રોડકાસ્ટરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સ્પર્ધામાં ગેરહાજરી બદલ પોતાની નાખુશી વ્યક્ત કરતા બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) અને એ. સી. સી. (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) વચ્ચે સીધી તકરાર ઊભી થઈ છે. ક્રિકેટ બૉર્ડે એ. સી. સી.ને સખ્ત શબ્દોમાં જવાબ લખી જણાવ્યું હતું કે તે અથવા બ્રોડકાસ્ટરો રાષ્ટ્રની ટીમના ખેલાડીઓની પસંદગીમાં કાંઈ કહી શકતા નથી.
વિશ્ર્વ ક્રિકેટમાં વર્તમાનમાં ભારે આકર્ષણ બનેલ કોહલીને ઈંગ્લેન્ડ ખાતે ૮૪ દિવસના પ્રવાસમાં પાંચ ટેસ્ટ મેચમાં કુલ ૫૯૩ રન કરવા સાથે ટોચનો રનકર્તા બન્યા પછી આ સ્પર્ધામાંથી આરામ આપવામાં આવ્યો છે.
એ. સી. સી.ના ગેમ ડેવલપમેન્ટ મૅનેજર થુસિત પરેરાને મોકલાવેલા ઈ-મેલમાં આયોજક બ્રોડકાસ્ટરે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે કોહલીની સ્પર્ધામાં ગેરહાજરી મેચોના પ્રસારણમાં આર્થિક પાંસાને અસર કરશે. તે ઈ-મેલમાં લખવામાં આવ્યું હતું કે સ્પર્ધામાં ફક્ત ૧૫ દિવસ અગાઉ કોહલી જેવા વિશ્ર્વના શ્રેષ્ઠ બેટ્સમેનની ગેરહાજરીની જાહેરાતમાં બ્રોડકાસ્ટરને ભારે ધક્કો પહોંચ્યો છે અને તેના આવકમાં મોટો ફટકો પડશે.