આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ

1143

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે તા.૧૯ થી ૨૫ સપ્ટેામ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પુનમના મહામેળાનો કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેના હસ્તે અંબાજી ખાતે  વિધિવત પ્રારંભ  કરવામાં આવ્યો હતો. અંબાજી મુકામે દાંતા રોડ ઉપર આવેલ પ્રદર્શન ગેલેરીની બાજુમાં, મેઇન રોડ ઉપર કલેકટરના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવો અને માઇભક્તોએ રથને થોડેક સુધી ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત હજારો માઇભક્તો પદયાત્રીકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા. પ્રદર્શન ડોમમાં માહિતી ખાતાના અદ્યતન પ્રદર્શનનુ કલેકટરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. કલેકટરે પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યુ હતુ.

આ પ્રસંગે પ્રદર્શન ડોમમાં બનાવેલ મંદીરમાં કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મેળાની સંપૂર્ણ સફળતા માટે અને લાખો માઇભક્તોની અંબાજીની યાત્રા સુખરૂપ સંપન્ન થાય તે માટે કલેક્ટરે માતાજીને પ્રાર્થના કરી હતી.

મીડિયાને માહિતી આપતાં કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, માતાજીના દર્શનાર્થે આવતા યાત્રીકોને વંદન કરું છું. તેમણે કહ્યું કે, લાખો યાત્રિકો માટે શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરવામાં આવી છે. અંબાજી, ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળી, પીવાનુ પાણી, સુરક્ષા, પરિવહન અને ર્પાકિંગ અંબાજી મુકામે  દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે ભોજનની સુવિધા સહિત તમામ વ્યવસ્થાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ હોવાનો કલેક્ટરે જણાવ્યું હતું.

કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, મેળા પ્રસંગે ૩૦ લાખથી વધુ યાત્રિકો આવવાની ધારણા છે તે પ્રમાણે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે કહ્યું કે, ખોવાયેલ બાળકો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ નાના બાળકોને માતાઓ દ્વારા દુધ પીવડાવવા માટે બ્રેસ્ટ ફિડિંગની સુવિધા પણ કરવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિઓ, સિનિયર સિટીઝન નાગરિકો માટે અંબાજી નજીક આવેલ કામાક્ષી મંદીરથી અંબાજી સુધી ૪ એસ.ટી બસો વિનામુલ્યે પ્રવાસ માટે મુકવામાં આવી છે.

કલેકટરે અંબાજી ખાતે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ બનાવેલ વિનામુલ્યે ભોજન સુવિધાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. રસ્તાઓ ઉપર પદયાત્રા કરીને ચાલતા પદયાત્રીકો સાથે પણ કલેકટરે વાતચીત કરી પ્રતિભાવ જાણ્યા હતા. આ અંગે મીડિયાને માહિતી આપતા કલેકટરે જણાવ્યું કે, સ્વચ્છતા જાળવવા વિવિધ સેવાકેમ્પોના સંચાલકો અને પદયાત્રા કરીને આવતા સંઘના લોકો સાથે અગાઉ વાતચીત અને ચર્ચા-વિચારણા કરવામાં આવી છે તે પ્રમાણે સૌ સ્વચ્છતા જાળવવા સહયોગ આપશે. આ મહામેળો પ્લાસ્ટીક મુક્ત થીમ પ્રમાણે યોજવા સંગીન વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ કલેકટરે ઉમેર્યું હતું.અંબાજી ભાદરવી મહામેળાનો આનંદ, ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ભવ્ય પ્રારંભ થયો છે.  અંબાજી જતા તમામ રસ્તાઓ રાત-દિવસ યાત્રિકોથી ભરચક રહેશે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો છે. દિવસે થોડી ગરમી, રાત્રે ઠંડક અને હરિયાળા વાતાવરણમાં માઇભક્તો ‘જયઅંબે’ ના જયઘોષ સાથે અંબાજી પંહોચી રહ્યા છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોની સૂવિધા અને સ્વંયસેવકો, સંચાલકોની કામગીરી સરાહનીય છે.

ભાદરવી મહામેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહ, જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુલ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહિવટદાર એસ.જી.ચાવડા, પ્રાંત અધિકારી દાંતા કે.એન.ચાવડા સહિત અધિકારીઓ અને હજારો માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleહવે સાથે નહીં રાખવા પડે ડ્રાઇવિંગ લાઈસન્સ અને R.C બુક
Next articleજેગુઆર દ્વારા ઈનકંટ્રોલ પેકેજમાં આધુનિક કનેક્ટિવિટી ફીચર્સ ઓફર કરાઈ