ભાવનગર શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવું છે : મેયર

836

ભાવનગર અને ગાંધીનગરથી પ્રસિધ્ધ થતા ‘લોકસંસાર’ દૈનિક કાર્યાલય ખાતે આજે મહાપાલિકાના મેયર મનહરભાઈ મોરી, ચેરમેન યુવરાજસિંહ તથા નેતા પરેશ પંડ્યા, ધીરૂભાઈ ધામેલીયા શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જ્યાં ભાવનગર શહેરના વિવિધ પ્રશ્નો અંગે મુક્ત મને ચર્ચા કરી હતી.

મેયર મોરીએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવું એ અમારો પ્રથમ અભિગમ છે તેના ઉપર કામ ચાલી રહ્યું છે. જેનું પરિણામ નજીકના દિવસોમાં ભાવેણાવાસીઓને મળશે તેમ કહેવા ઉપરાંત શહેરના રોડ-રસ્તાના કામો પણ ચાલી રહ્યાં છે. જ્યારે સફાઈ અને સ્વચ્છતા બાબતે પણ મહાપાલિકા સજાગ અને સક્રિય છે. જેમાં લોકોએ પણ સાથ સહકાર આપવો પડશે તેવો અનુરોધ કર્યો હતો.

ચેરમેન યુવરાજસિંહ ગોહિલે ઘરવેરાની વસુલાત સંદર્ભે વાતચીત કરતા જણાવેલ કે, આગામી દિવસોમાં ફરી વસુલાત કામગીરી સક્રિય અને તેજ બનાવવામાં આવશે. બાકીદારોને નાણા ભરવાની તાકીદ કરવા સાથે ઝપ્તીની નોટીસો આપવાની કામગીરી શરૂ કરાશે તેમ જણાવેલ. જ્યારે નેતાએ કાળીયાબીડના રોડ-રસ્તા ઉપરાંત હજુ શહેરમાં અનેક વિકાસના કામો કરવાના હોવાનું જણાવ્યું હતું.

મેયર, ચેરમેન, નેતા સહિત હોદ્દેદારોનું ‘લોકસંસાર’ના મેનેજીંગ તંત્રી મુન્તઝીર સીદાતર, નિવાસી તંત્રી નરેન્દ્ર ચુડાસમા, પત્રકાર ભુપતભાઈ દાઠીયા સહિત સ્ટાફે આવકાર્યા હતા.

Previous articleપેટ્રોલ-ડિઝલના ભાવના વિરોધમાં કોંગ્રેસની વિધાનસભા સુધી સાયકલ રેલી
Next articleદારુની પરમીટના નિયમો કડક બનાવાયા, ફીમાં પણ વધારો કરાયો