રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ દિવસના કાર્યક્રમ ભારત કા ભવિષ્યના અંતિમ દિવસે સરસંઘ ચાલક મોહન ભાગવતે કાર્યક્રમમાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ભાગવતે કહ્યું હતું કે, રામમંદિરનું નિર્માણ વહેલી તકે થવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરમાં કલમ ૩૭૦ અંગે અમારુ વલણ તમામ લોકો ચાણે છે. અમે આને હટાવવાની તરફેણમાં છીએ. મોહન ભાગવતે આ ગાળા દરમિયાન જાતિ વ્યવસ્થા, અનામત, લઘુમતિ, સજાતિય સંબંધો, જમ્મુ કાશ્મીર, શિક્ષણ નીતિ જેવા મુદ્દા પર પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ ગાળા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, ઉપસ્થિત લોકો તરફથી ૨૧૫ સવાલ કરવામાં આવ્યા હતા. જાતિ વ્યવસ્થાના સંદર્ભમાં કરવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, અહીં જાતિ વ્યવસ્થા ખુબ ઉપયોગી છે.
હવે જાતિ અવ્યવસ્થા જેવી સ્થિતિ છે. સામાજિક વિસમતાઓને વધારનાર તમામ બાબતો બહાર થવી જોઇએ. આ યાત્રા લાંબી છે પરંતુ આ યાત્રા કરવી પડશે. સંઘમાં કોઇને પણ જાતિ પુછવામાં આવતી નથી. સંઘમાં કોઇ ખોટા સિસ્ટમ પણ નથી. તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ સમાજનું સંગઠન ઉપયોગી છે. ગૌરક્ષા અને મોબ લિંચિંગના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે, ગાય જ નહીં બલ્કે કોઇપણ મુદ્દા ઉપર કાયદાને હાથમાં લેવાની જરૂર નથી. તોડફોડ કરવાની બાબત અપરાધ તરીકે છે. ગૌરક્ષા થવી જોઇએ. ગૌરક્ષકો અને તોફાનીઓની સરખામણી કરવી જોઇએ નહીં. મોહન ભાગવતે કહ્યું હતું કે, સમાજની દરેક વ્યક્તિ સમાજના એક ભાગ તરીકે છે અને તેની વ્યવસ્થા કરવાની જવાબદારી સમાજની રહેલી છે. સમયની સાથે સમાજમાં ફેરફાર થાય છે. અનામતના પ્રશ્ન પર મોહન ભાગવતે કહ્યું હતું કે, સામાજિક વિસમતાઓને દૂર કરીને સમાજમાં દરેકને તક મળવી જોઇએ. બંધારણ મુજબ અનામતને સંઘ ટેકો આપે છે. અનામત ક્યાં સુધી ચાલશે તે અંગે નિર્ણય તેઓ જ લેશે. રામ મંદિરના નિર્માણ અંગે સરસંઘ ચાલકે કહ્યું હતું કે, રામ મંદિર જન્મભૂમિ પર ભવ્ય મંદિર બનવું જોઇએ.
રામ જ્યાં આસ્થાનો વિષય નથી ત્યાં પણ તેઓ મર્યાદાના વિષય તરીકે છે. કરોડો લોકોની આસ્થાનો વિષય છે. દેશ હિતમાં વિચારણા થઇ હોત તો મંદિર બની ગયું હોત. ધર્મનું શિક્ષણ ભલે આપવામાં આવે પરંતુ દેશનું શિક્ષણ ખુબ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બીજા દિવસે સંઘ પ્રમુખ મોહન ભાગવતે જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. મોહન ભાગવતે કહ્યું હતું કે, નાગપુરથી સરકાર ચાલતી નથી. ક્યારે પણ ફોન નાગપુરથી જતો નથી. સંઘ બંધારણને માનીને ચાલે છે. બંધારણની વિરુદ્ધમાં જઇને અમે ક્યારે પણ કોઇ કામ કર્યા નથી. આવા કોઇ દાખલા પણ રહ્યા નથી. તેમણે કહ્યું હતું કે, સંઘ અને રાજનીતિ વચ્ચે સંબંધો ઉપર હંમેશા ખુલ્લા મનથી વાત કરી છે. સરકારની કામગીરીમાં દરમિયાનગીરીના આરોપો અને અટકળોને ફગાવતા મોહન ભાગવતે કહ્યું હતું કે, લોકો અટકળો લગાવે છે કે, નાગપુરથી ફોન જાય છે પરંતુ આ બાબત બિલકુલ ખોટી છે.