ગુજરાતમાં ધારાસભ્યો સહિત વિધાનસભાના પદાધિકારીઓના પગાર ભથ્થામાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા જ ધારાસભ્યો અને પદાધિકારીઓની દિવાળી આવી ગઈ છે.
ધારાસભ્યોને હવેથી નાયબ સચિવની સમકક્ષ મૂળ પગાર મળશે. ધારાસભ્યોના પગાર ભથ્થા ૭૦૭૨૭થી વધીને ૧૧૬૩૧૬ થઇ ગયા છે. ધારાસભ્યોનું દૈનિક ભથ્થુ ૨૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ કરવામાં આવ્યો છે. પગાર વધારાનો અમલ વિધાનસભાની રચના થયાની તારીખથી મળવા પાત્ર થશે. ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધપક્ષના નેતાઓ સહિતના પદાધિકારીઓના પગાર – ભથ્થા સુધારા વિધેયકને સર્વાનુમતે મંજૂરી મળતા હવેથી ધારાસભ્યોને સરકારના નાયબ સચિવ કક્ષાના વર્ગ-૧ના અધિકારીને સમકક્ષ મૂળ પગાર મળવાપાત્ર થશે.
જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધપક્ષના નેતાઓ સહિતના અન્ય પદાધિકારીઓને ધારાસભ્યોને મળવાપાત્ર મૂળ પગારના ૨૫ ટકા વધુ મૂળ પગાર વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધ પક્ષના નેતાઓના પગાર અને ભથ્થાને લગતા કાયદા વિધેયક, ૨૦૧૮ને ગૃહમાં રજૂ કરતા સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો સહિત પદાધિકારીઓની સરખામણીમાં ગુજરાત વિધાનસભાના સભ્યો અને પદાધિકારીઓને મળતા પગાર અને ભથ્થા ઓછા છે.
વર્ષ- ૨૦૦૫થી તેમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ધારાસભ્યોને જન સંપર્કની કામગીરી અર્થે સતત પ્રવાસો કરવા પડતા હોવાથી અને કાર્યાલય ખર્ચમાં પણ વધારો થયો હોવાથી પગાર-ભથ્થામાં વધારો આવશ્યક બન્યો છે. રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ સુધારા વિધેયકને રજૂ કરતા જણાવ્યું કે, હાલમાં ધારાસભ્યોને રાજ્ય સરકારના ઉપ સચિવને મળવાપાત્ર લધુત્તમ મૂળ પગારને બદલે નાયબ સચિવની કક્ષામાં મળવાપાત્ર લધુત્તમ મૂળ પગાર મળવાપાત્ર થશે.
આ સુધારા અન્વયે ધારાસભ્યોને મળતા એકત્રિત ભથ્થા, ટેલિફોન ભથ્થુ, અંગત મદદનીશ ભથ્થુ, ટપાલ અને લેખન સામગ્રી અને મૂળ પગાર ૫૬,૧૦૦ સહિત પ્રતિમાસ ૭૦,૭૨૭ મળતા હતા તેને બદલે નવી જોગવાઇ મુજબ મૂળ પગાર ૫૬,૧૦૦ના સ્થાને ૭૮,૮૦૦, મોંઘવારી ભથ્થું (હાલ એકત્રિત ભથ્થું) ૪,૬૨૭ના બદલે હવે મોંઘવારી ભથ્થું ૫,૫૧૬, ટેલિફોન ભથ્થું ૪,૦૦૦ના બદલે ૭,૦૦૦, અંગત મદદનીશ ભથ્થું,૩,૦૦૦ના સ્થાને ૨૦,૦૦૦ તથા ટપાલ અને સામગ્રી ભથ્થું ૩,૦૦૦ના બદલે ૫,૦૦૦ મળીને પ્રતિમાસ ૭૦,૭૨૭ના બદલે હવે ૧,૧૬,૩૧૬ કરવાની જોગવાઇ સૂચવવામાં આવી છે. એટલે કે, ધારાસભ્યોને પ્રતિમાસ ૪૫,૫૮૯ જેટલી વધુ રકમ મળવાપાત્ર થશે. જાડેજાએ વધુમાં જણાવ્યું કે, હાલમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધપક્ષના નેતા સહિતના પદાધિકારીઓને ધારાસભ્યઓને મળતા મૂળ પગાર કરતા ૨૫ ટકા વધુ મૂળ પગાર મળે છે. તેમાં સૂચિત જોગવાઇ અનુસાર મૂળ પગાર ૭૦,૧૨૫ના સ્થાને ૯૮,૫૦૦, એકત્રિત ભથ્થું ૭,૦૦૦ના બદલે ૨૦,૦૦૦, વાહન ભથ્થું ૪,૦૦૦ના બદલે ૭,૦૦૦ મોંઘવારી ભથ્થું ૫,૬૭૯ના સ્થાને ૬,૮૯૫ ચૂકવવામાં આવશે. સભ્ય સિવાયના પદાધિકારીઓને પ્રતિમાસ ૮૬,૮૦૪ના બદલે નવી જોગવાઇ મુજબ પ્રતિમાસ ૧,૩૨,૩૯૫ મળવાપાત્ર થશે. એટલે કે પદાધિકારીઓને પ્રતિમાસ ૪૫,૫૯૧ જેટલી વધુ રકમ મળવાપાત્ર થશે. સભ્યઓને ચૌદમી વિધાનસભાની પ્રથમ બેઠકની તારીખથી અને પદાધિકારીઓને સૂચિત પગાર ભથ્થા વધારાનો લાભ હાલની વિધાનસભાની રચના થયા તારીખ એટલે કે તા. ૨૨-૧૨-૨૦૧૭થી મળવાપાત્ર થશે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, વિધાનસભા સભ્યોના પગાર તથા ભથ્થા બાબત અધિનિયમ, ૧૯૬૦ની કલમ-૪ મુજબ સભ્યઓેને હાલ દૈનિક ભથ્થું ૨૦૦ મળે છે તે વધારીને ૧,૦૦૦ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. વિરોધપક્ષના નેતાને હાલ પ્રતિમાસ ટપાલ ખર્ચના ૧,૦૦૦ મળે છે તેને વધારીને ૧૦,૦૦૦ કરવામાં આવશે. જ્યારે ગુજરાતના ધારાસભ્યઓને હાલ પ્રતિમાસ ૭૦,૭૨૭/- (પગાર- ભથ્થા સહિત) મળે છે. સૂચિત સુધારા અન્વયે હવે ગુજરાતના ધારાસભ્યઓને પ્રતિમાસ ૧,૧૬,૩૧૬/- (પગાર-ભથ્થા સહિત) મળવાપાત્ર થશે. જે દેશના અન્ય રાજ્યોની સમકક્ષ થશે.