સમગ્ર ગોહિલવાડમાં આવતીકાલ તા.૩૧ને મંગળવારના રોજ તુલસી વિવાહની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. તુલસી વિવાહ નિમિત્તે આકર્ષક લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યા છે.
આવતીકાલે મંગળવારે કારતક સુદ અગિયારસ નિમિત્તે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવશે. જેમાં મંડપ મુર્હુત સહિતના પ્રસંગો બાદ મોડીસાંજે વાજતે-ગાજતે ઠાકોરજી જાન લઈને તુલસી વૃંદાને પરણવા જશે. જ્યાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે તુલસી વિવાહના પ્રસંગની ઉજવણી કરાશે.
ભાવનગર શહેરના કાળીયાબીડ ઉપરાંત ભરતનગર, આનંદનગર, સુભાષનગર, કાળાનાળા, ચિત્રા, પાનવાડી રોડ, વરતેજ, સિહોર સહિત ગ્રામ્ય પંથકોમાં પણ ભવ્યાતિભવ્ય તુલસી વિવાહની ઉજવણી કરાશે. શહેરના કાળીયાબીડ, ભરતનગર ખાતે આકર્ષક લાઈટ ડેકોરેશનથી શણગાર કરવામાં આવ્યો છે. તુલસી વિવાહની ઉજવણી સંદર્ભે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠાકોરજીની જાનમાં જોડાઈ તુલસી વિવાહમાં પ્રસંગમાં સામેલ થવા લોકો ઉત્સુક બન્યા છે.