દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન-જે-ઇને બુધવારે જણાવ્યું કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન તેમના એક મુખ્ય મિસાઇલ પરિક્ષણ અને પ્રક્ષેપણ કેન્દ્રને બંધ કરવા સંમત થઇ ગયા છે. મીડિયાના રિપોટ્ર્સ મુજબ કિમ અમેરિકાની સાથે સ્થગિત વાર્તા ફરીથી શરૂ કરવાનો એક સંકેત રૂપે પરમાણુ નિઃશસ્ત્રીકરણના અતિરિક્ત પગલા લેવા પર સંમત થઇ ગયા છે.
મીડિયાના રિપોટ્ર્સ મુજબ આ સંમતિ પીખાવોન સરકારી અતિથિ ગૃહમાં કિમ અને મૂન વચ્ચે થયેલી ઐતિહાસિક શિખર બેઠકમાં થઇ હતી. મૂને જણાવ્યું કે બન્ને નેતા પરમાણુ નિઃશસ્ત્રીકરણનો એક રસ્તો કાઢવા સંમત થયા છે. કિમે આ સંમતિને કોરિયાઇ દ્વીપકલ્પમાં સૈન્ય શાંતિની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે. તેમણે નજીકના ભવિષ્યમાં સિયોલની યાત્રા કરવાની આશા વ્યકત કરી હતી. જો કિમ સિયોલની યાત્રા કરશે તો તે આવું કરનારા પ્રથમ કોરિયાઇ નેતા હશે.
શિખર બેઠક બાદ મૂને કિમની સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઉત્તર કોરિયા સંબંધિત દેશોના નિષ્ણાતોની ભાગીદારીમાં તેની દોંવચાંગ-રી મિસાઇલ એન્જિન પરિક્ષણ કેન્દ્ર અને મિસાઇલ લોન્ચ પેડને સ્થાયી રીતે બંધ કરવા પર સંમત થઇ ગયું છે.
તેમણે જણાવ્યું કે, ઉત્તર કોરિયા અમેરિકાના જવાબી પગલાના આધાર પર પ્યોંગયોંગ પરમાણુ કેન્દ્રને સ્થાયી રીતે બંધ કરવા જેવા અતિરિક્ત પગલા ભરવા પર સંમત થઇ ગયું છે. મૂને જણાવ્યું કે, દક્ષિણ અને ઉત્તર કોરિયા પ્રથમ વખત પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર ચર્ચા કરી છે.