પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરીથી શાંતિ વાર્તા માટે શરૂઆત કરવા વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની મીટિંગની અંદર ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીની વચ્ચે મીટિંગનો આગ્રહ કર્યો છે. આવતા મહિને ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ)ની મીટિંગ થવાની છે.
ખાનનો આ પત્ર પીએમ મોદીના એ સંદેશનો જવાબ છે જેમાં તેમણે બંને દેશોની વચ્ચે ‘ફળદાયક અને રચનાત્મક’ સંબંધોનો સંકેત આપ્યો હતો. ઇમરાન ખાને પણ પાકિસ્તાન ચૂંટણીમાં પોતાની જીત બાદ કહ્યું હતું કે જો સંબંધોના સુધારાની દિશામાં ભારત એક પગલું આગળ વધશે તો તેઓ બે પગલાં આગળ વધશે.
છેલ્લાં કેટલાંક સપ્તાહથી એ અટકલો તેજ થઇ રહી હતી કે યુએન જનરલ એસેમ્બલીમાં સ્વરાજ અને કુરૈશીની વચ્ચે મીટિંગ થશે કે નહીં. ખાનનો પત્ર ભારત અને પાકિસ્તાનની વચ્ચે નક્કર સંબંધ ફરીથી શરૂ કરવા માટે પહેલો ઔપચારિક પ્રસ્તાવ પણ છે.
ડિપ્લોમેટ સૂત્રોનું કહેવું છે કે ખાને પોતાના પત્રમાં એ વ્યાપક દ્વિપક્ષીય વાર્તા પ્રક્રિયાને ફરીથી શરૂ કરવાનો આગ્રહ કર્યો છે જે ડિસેમ્બર ૨૦૧૫મા શરૂ કરાઇ હતી. પઠાનકોટ એરબેસ પર આતંકી હુમલા બાદ વાર્તાની આ પ્રક્રિયા સ્થગિત કરી દેવાઇ હતી. ખાને પોતાના પત્રમાં કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનને આતંકવાદ અને કાશ્મીર સંબંધિત તમામ મોટા મુદ્દા વાર્તાના માધ્યમથી સમાધાન પર નજર કરવી જોઇએ.
ડિસેમ્બર ૨૦૧૫મા સુષ્મા સ્વરાજ હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઇસ્લામાબાદ ગયા હતા. એ સમયે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોના સ્તર પર પાકિસ્તાનની સાથે નક્કર સંવાદ થયો હતો. એ સમયે રજૂ કરવામાં આવેલા સંયુકત નિવેદનમાં કહ્યું હતું કે બંને દેશોના વિદેશ સચિવ કેટલીય બાબતો પર વ્યાપક ચર્ચા માટે મીટિંગની સંભાવનાઓ અને શેડ્યુલ તૈયાર કરવા પર કામ કરશે. જે મુદ્દા પર ચર્ચા થવાની હતી, તેમાં શાંતિ અને સુરક્ષા, સીબીએમ, જમ્મુ-કાશ્મીર, સિયાચિન, સર ક્રીક, વુલર બેરાજ/તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ, આર્થિક અને વાણિજિયક સહયોગ, આતંકવાદ નિરોધી કદમ, નારકોટિક્સ કંટ્રોલ, માનવીય મુદ્દા, લોકોથી લોકોની વચ્ચે આદાન-પ્રદાન અને ધાર્મિક પર્યટન સહિત કેટલીય બાબતો સામેલ હતી. જોકે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, આતંક અને મંત્રણા એક સાથે ન થઈ શકે.