બનાસકાંઠાના દિયોદરના પૂર્વ ભાજપ ધારાસભ્ય અનિલ માળીએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. દિયોદર કોંગ્રેસના સંમેલનમાં અનિલ માળી કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાન વર્ષાબહેન ગાયકવાડ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
દિયોદરના પૂર્વ ધારાસભ્ય પદ રહેલા અનિલ માળીએ કાર્યકરો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા પ્રદેશ ભાજપને ફટકો પડ્યો છે. તેમણે પક્ષ સાથે નારાજગીનું કારણ ધરીને પક્ષમાંથી રાજીનામુ આપ્યુ હતુ.
વર્તમાન ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પર આક્ષેપ લગાવ્યો. જેનો તેમણ રદ્દિયો આપ્યો છે. કેશાજી ચૌહાણે કહ્યું હતું કે, અનિલ માળીના ભાજપ છોડવાથી કોઈ નુકશાન થવાનું નથી. કેશાજી ચૌહાણે અલ્પેશ ઠાકોર પર પણ નિશાન તાક્યું હતું.
દિયોદર વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કારોબારી સભ્યએ સોમવારે પક્ષથી નારાજ થઇ પોતાના હોદ્દા ઉપરથી તેમજ પક્ષમાંથી ટેકેદારો સાથે રાજીનામું આપતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિયોદરના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કારોબારી સભ્ય અનિલભાઇ માળીએ પક્ષના અમુક નિર્ણયોના કારણે સોમવારે પ્રેસકોન્ફરન્સ યોજી પોતાના આઠ ઉપરાંતના ટેકેદારો સાથે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.
આ અંગે અનિલભાઇ માળીએ જણાવ્યું હતું કે, ‘મારા મત વિસ્તારના કામ થતાં નથી. જેથી લોકો દ્વારા મને અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે. તેમજ ભાજપના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી છે. જેથી સમાજના આગેવાનોના માર્ગદર્શન લઇ સોમવારે ભાજપમાંથી તેમજ પ્રદેશ કારોબારી સભ્યમાંથી રાજીનામું આપ્યું છે.