ખેડૂત અકસ્માત સહાયમાં વધારો કરવાનો નિર્ણય

1882

ગુજરાત સરકારે વધુ એક કિસાનલક્ષી નિર્ણય આજે કર્યો હતો જેના ભાગરુપે ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા યોજનાની સહાય તેમજ વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. હવે અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં એક લાખની સહાયના બદલે બે લાખ અને એક આંખ અથવા તો એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦૦૦૦ની સહાયના બદલે એક લાખની સહાય આપવામાં આવશે. ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનના બદલે કોઇપણ સંતાનનો સમાવેશ કરવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્યના ૨.૫૦ કરોડ ખેડૂતોને આવરી લેવામાં આવશે. ખેડૂતો તરફથી અંદાજે ૭૦ કરોડથી વધુનું પ્રિમિયર રાજ્ય સરકાર ભરશે. રાજ્યમાં બે દિવસીય મોનસૂન સત્ર દરમિયાન રાજય સરકારે ખેડૂતો માટે થોડા દિવસોમાં મોટી જાહેરાત કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. જેના અનુસંધાનમાં આજરોજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ખેડૂતોને લઇને રાજ્ય સરકારે કરેલા નિર્ણયની જાહેરાત કરી હતી. જેમાં વારસદારના નિયમોમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે, કોંગ્રેસપક્ષે ભાજપ સરકારની આ જાહેરાતને લોલીપોપ સમાન ગણાવી હતી અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા ચાલી રહેલા આંદોલનને લઇ આખરે દબાણ વધતાં સરકારને આ પ્રકારનો નિર્ણય લેવાની ફરજ પડી હોવાનો દાવો કર્યો હતો. રાજય સરકાર દ્વારા ખેડૂતોના મામલે લેવાયેલા બે મહત્વના નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ખેડૂત અકસ્માત યોજનામાં મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજયમાં ખેડૂત અકસ્માતની સહાયમાં એક લાખ રૂપિયા સુધીનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અને તેથી હવેથી ખેડૂત અકસ્માત સહાયની રકમ બમણી કરાઇ છે. સાથે સાથે વીમો મંજૂર કરવાની પધ્ધતિ સરળ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારે ૨.૪૯ કરોડ લોકોને લાભ આપવામાં આવશે. ૭/૧૨માં નામ ના હોય તેવા ખેડૂતો અને તેમના પરિજનોને પણ સહાયતા મળશે. ખેડૂત અકસ્માતમાં સહાય બે લાખ રૂપિયાની કરાઇ છે, તો સાથે સાથે ખેડૂતને ગંભીર ઇજાના કિસ્સામાંં રૂ. ૧ લાખની સહાય ચૂકવવામાંશે. ખેડૂતો અને તેમના પરિજનો સુધી યોજનાનો લાભ પહોંચી શકે તેવા ઉમદા આશયથખી  વારસદારોના નિયમોમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યાં છે.

ખેડૂતોએ કોઇપણ પ્રિમિયમ ભરવાનું નથી. વીમાની રકમ મેળવવા પોસ્ટ મોર્ટમ ફરજિયાત રહેશે. ખેડૂત અકસ્માત સહાય યોજના પેટે હવે સરકાર ૭૦થી૮૦ કરોડ રૂપિયા પ્રીમિયમ તરીકે ભરશે. આ યોજના હેઠળ ૧.૭૫ કરોડ ખેડૂતો નોંધાયા છે. વીમો નાંખવાની પધ્ધતિમાં સરળીકરણ કરવામાં આવ્યું છે. રાજય સરકારની આ જાહેરાતને પગલે રાજયના ખેડૂતઆલમમાં રાહતની લાગણી ફેલાઇ છે, રાજયના અંદાજે ૨.૪૯ કરોડ ખેડૂતોને સરકારની આ જાહેરાતનો લાભ મળશે તેવું મનાઇ રહ્યું છે. બીજીબાજુ, સરકારની આ જાહેરાતને કોંગ્રેસે લોલીપોપ અને છેતરામણી ગણાવી હતી. કોંગ્રેસ કટાક્ષ કર્યો હતો કે, સરકારની લોભામણી જાહેરાતનો લાભ લેવા માટે ખેડૂતોએ પહેલા મરવુ પડશે અને સરકારની હાલની કૃષિવિરોધી નીતિથી ત્રસ્ત ખેડૂતો ગુજરાતમાં આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે તે વાસ્તવિકતા છે, ત્યારે ગુજરાતના ખેડૂતોને સરકારની મેલીમુરાદની બરોબર ખબર પડે છે અને તેથી તેઓ સહેજપણ ભરમાશે નહી. હાલમાં જ નીતિન પટેલે કહ્યું હતું કે, વિધાનસભાના ટૂંકા સત્ર બાદ ખેડૂત લક્ષી નિર્ણય લેવામાં આવશે.

Previous articleજોઈ શકીએ અને માણી શકીએ તો…!
Next articlePSIમાંથી પીઆઇ તરીકેના પ્રમોશન સામે સ્ટે આખરે દૂર