શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ રણુજા ધામ-બાબા રામદેવપીરના મંદિર ખાતે ત્રણ દિવસ રામદેવ જન્મોત્સવની સમસ્ત ગામ દ્વારા ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના ફુલસર વોર્ડમાં આવેલ ફુલસર ગામતળ કાંગસીયાવાડમાં આજથી ૧૬ વર્ષ પૂર્વે રામદેવપીરનું મંદિર બનાવી પ્રાણપ્રતિષ્ઠા યોજવામાં આવી હતી પરંતુ ધર્મભાવનાની દ્રષ્ટિએ સમૃધ્ધ એવા ફુલસરમાં ફુલસર ગામના યુવાનો દ્વારા બનાવવામાં આવેલ રામદેવપીર યુવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ર૮ વર્ષથી ફુલસર તથા રાજ્ય પરપ્રાંત અને ગામેગામ રામદેવપીરના આખ્યાનો યોજી લોકોની ધર્મ-આસ્થા મજબુત બનાવે છે. આ યુવક મંડળ તથા ફુલસર ગામ સમસ્ત દ્વારા સુંદર મંદિર તથા હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ એકાદશી ત્રણ દિવસના મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રામદેવપીર જન્મોત્સવના આયોજનના પ્રથમ દિવસે નેજાની શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી હતી. બીજા દિવસે રામદેવપીરનું આખ્યાન તથા રાત્રે ઉકળતી દેગના દર્શન અને અંતિમ દિવસે મહાપ્રસાદનું વિતરણ આયોજકો દ્વારા અંતિમ દિવસે ખીર, પુરી, શાક, દાળભાતનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે પ હજારથી વધુ શ્રધ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર ઉત્સવને સફળ બનાવવા ગ્રુપના ૪ર સભ્યો તથા મંડળના માર્ગદર્શક-સંચાલકો જેમાં સંજયભાઈ રાઠોડ, અશોકભાઈ બારૈયા, રમેશભાઈ બારૈયા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.