જમ્મુ અને કાશ્મીર પોલીસકર્મીઓ પર વધતા આતંકી હુમલાઓ અને હિજબુલ મુજાહિદ્દીન તરફથી અપાયેલી ધમકીથી ગભરાયેલા એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ)એ પણ રાજીનામું આપી દીધુ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ વિભાગમાં અત્યાર સુધીમાં આ પાંચમું રાજીનામુ કહેવાઈ રહ્યું છે. એસપીઓ તજાલા હુસૈન લોને પોતાનું રાજીનામું 17 ઓગસ્ટે આપ્યું હોવાની વાત કરી છે. એસપીઓ શાબિર અહેમદ, ઉમર બશીર, નવાઝ અહેમદ અને કોન્સ્ટેબલ મોહમ્મદ ઈરશાદ બાબા પણ રાજીનામું આપી ચૂક્યા છે.
શુક્રવારે સામે આવેલા એસપીઓ લોનના રાજીનામાની વાતથી હડકંપ મચ્યો છે. લોને પોતાના રાજીનામાની જાણકારી આપતા લખ્યું છે કે મારું નામ તજાલા હુસૈન લોન છે. હું હિલપોરા બાતેગુંડ શોપિયામાં રહુ છું. છેલ્લા 6 વર્ષથી એસપીઓના પદે કામ કરી રહ્યો છું. મેં ગત મહિને 17 તારીખે મારા પદથી રાજીનામું આપ્યું છે. તેમણે વધુમાં લખ્યું છે કે હું રાજીનામું આપ્યા બાદ ઘરે આવી ગયો છું. મારે પોલીસ વિભાગ સાથે કોઈ સંબંધ નથી. હું હવે ઘરે રહીશ અને ફળ વેચવાનો ધંધો કરીશ.
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં ગુરુવારે રાતે લાપત્તા 4 પોલીસકર્મીઓમાંથી 3ના મૃતદેહો શુક્રવારે સવારે મળી આવ્યાં. મૃતકોમાં બે એસપીઓ અને એક પોલીસ કોન્સ્ટેબલ સામેલ છે હાલ ત્રીજા એસપીઓની કોઈ માહિતી મળી નથી. તેની તલાશી માટે રાજ્ય પોલીસ અને સુરક્ષાદળો તરફથી સયુંક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.