ભારતીય અર્થવ્યવસ્થા જે રીતે આગળ વધી રહી છે તેના કારણે ૨૦૫૦ સુધી ભારત અમેરિકાને પાછળ છોડી દેશે. ૨૫ એશિયા પ્રાંતના દેશો પર આંતરરાષ્ટ્રીય થિંકટેન્ક લોવી ઇન્સ્ટીટ્યૂટે એક સ્ટડી રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં આ મુજબની હકીકત બહાર આવી છે. સન ૨૦૨૫ સુધી દુનિયાની ત્રણ મોટી અર્થવ્યવસ્થા એશિયા પ્રાંત ક્ષેત્રમાં હશે અને ૨૦૫૦ સુધી ભારતીય અર્થવ્યવસ્થા અમરિકાને પણ પાછળ છોડી દેશે. તેવો દાવો સ્ટડી રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પોતાની ઘટતી તાકાત વચ્ચે પણ રાજકીય તેમજ આર્થિક શક્તિના જોરે અમેરિકા એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં પ્રભાવના મુદ્દે અન્ય દેશોને પાછળ છોડી દેતું હતું.સૂત્રોના જણાવ્યા મુજબ આ તૈયાર કરાયેલ સ્ટડી રિપોર્ટમાં અર્થવ્યવસ્થા, સેના, રાજકીય અને સાંસ્કૃતિક પ્રભાવ સહિતના મુદ્દા સાથે જોડાયેલા ૧૧૪ સૂચકાંકો પર દરેક દેશનું આકલન કરવામાં આવ્યું હતું. સ્ટડીમાં એમ પણ જણાવાયું છે કે, ચીન સાથે જીડીપીમાં ખોટ વધી રહી છે તે પુરી કરવી મુશ્કેલ છે. પરંતુ આવતા ૧૧ વર્ષમાં ભારત આ મામલે અમેરિકાની બરાબરી કરશે અને ૨૦૫૦ સુધી તો ભારત અમેરિકાથી પણ આગળ પહોંચી જશે. આ સ્ટડી રિપોર્ટમાં ઉત્પાદકતા અને આરએડી ખર્ચના મામલે ભારતને બહુ નીચુ રાખવામાં આવ્યું છે. એનો સંકેત એ છે કે, ભારત પોતાના સંસાધનો અને માનવ શ્રમનો અસરકારક તરીકે ઉપયોગ નથી કરી શકતું. ઉપરાંત એશિયા-પ્રાંતમાં તાકતવર દેશોની સૂચીમાં ભારતને ચોથા સ્થાન પર રાખવામાં આવ્યું છે. અમેરિકા, ચીન તથા જાપાન આ મામલે ક્રમશ પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર છે. રિપોર્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થાનું કદ વર્ષ ૨૦૧૬માં ૮.૭ લાખ કરોડ ડોલરનું હતું. પરંતુ ૨૦૫૦ સુધી અમેરિકાને પાછળ છોડી ભારતીય અર્થવ્યવસ્થા ૪૪.૧ લાખ કરોડ ડોલરે પહોંચશે. જો કે, ત્યાં સુધી ચીનની અર્થવ્યવસ્થા ૫૮.૫ લાખ કરોડ ડોલર અને અમેરિકાની ૩૪.૧ લાખ કરોડ ડોલર સુધી પહોંચી જશે.