કરબલાના શહીદો ઈમામ હુસેન અને તેના ૭ર સાથીઓની શહાદતના માનમાં થતી મહોરમની ઉજવણી નિમિત્તે આજે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ૩પ ઉપરાંત કલાત્મક તાજીયાઓના ઝુલુસ નિકળ્યા હતા જયારે આંબાચોક ખોજાવાડ ખાતે શોક મજીલીસ સાથે માતમ મનાવાયો હતો. શહેરના શેલારશા પીર, અલકા રોડ, સીદીવાડ, બાપેસરા કુવા, માઢીયા ફળી, કુંભારવાડા નારી રોડ, સાંઢીયાવાડ, રેલ્વે સ્ટેશન, માળીનો ટેકરો, માણેકવાડી, આરબવાડ, શિશુવિહાર, જમનાકુંડ સહિતના વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજેથી જ કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા હતાં. જયારે આજે સાંજથી તાજીયાના માતમમી ઝુલુસ નિકળ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. કલાત્મક તાજીયા નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. જયારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાત્રીના સમયે તાજીયાઓ ઘોઘા ખાતે લઈ જઈને ટાઢા કરવામાં આવ્યા હતાં. જયારે આંબાચોક ખોજાવાડ ખાતે ચોક સભા યોજાયેલ જેમાં મૌલાનાઓએ ઈમામ હુસેનના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી અને કરબલાના શહીદોના માનમાં મહોરમની ૧૦મી તારીખે આશુરાના દિવસે તાજીયા બનાવીને ઈમામનો ગમ મનાવીએ છીએ તેમ જણાવેલ આ પ્રસંગે મેયર સહિત રાજકીય આગેવાનો સહિતે ઉપસ્થિત રહીને કરબલાના શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.