શહેરમાં દિવસભરના ઉકળાટ બાદ મોડીસાંજે મેઘરાજાની પૂનઃ પધરામણી

980
bvn492017-.jpg

ભાવનગર શહેરમાં આજે સવારથી મોડીસાંજ સુધીમાં ભાદરવા માસે અસલ મિજાજ બતાવ્યો હોય તેમ તડકો અને ભારે બફારાનો અનુભવ નગરવાસીઓએ કર્યો હતો તેમજ સમી સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા ધીમીધારે શરૂ થયેલો વરસાદ ૯-૩૦ વાગ્યા સુધીમાં એક ઈંચ જેવો વરસી જવા પામ્યો હતો. આ વરસાદ સાથોસાથ રવિવારની રજાની મજા માણવા બહાર નિકળેલા લોકો પણ ભીંજાયા હતા. આ વખતે વરસાદે માત્રને માત્ર ભાવનગર શહેરને જ ટારગેટ કર્યુ હોય તેમ શહેર તેમજ નજીકના વિસ્તારોમાં આ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકા કે ગામડાઓમાં વરસાદ વરસવા પામ્યો ન હતો. ગ્રામ્ય પંથકમાં ધીંગી મેઘમહેર બાદ વરાપ નિકળતા ધરતીપુત્રો વાડી-ખેતરોમાં નિંદામણ આદિકાર્યોમાં જોતરાયા છે. ગત સપ્તાહે વરસેલા વરસાદના કારણે નાના-મોટા ચેકડેમો, ખેત તલાવડાઓ અને બોરીબંધ પણ છલોછલ પાણીથી ભરાઈ જવા પામ્યા છે. જેને લઈને ધરતીપુત્રો મનોમન હરખાયા છે. ખગોળવિદોના અનુમાન મુજબ, આગામી સમયમાં પણ હજુ નોંધપાત્ર વરસાદ થવાની શક્યતાઓ પુરેપુરી જણાઈ રહી છે. 

જળાશયોની જળસપાટી
શેત્રુંજી ડેમ    ર૭.૧૧ ફુટ
ખારો ડેમ    ઓવરફ્લો
બોરતળાવ    ર૮ ફુટ
લાખણકા ડેમ    ૧૩ ફુટ
આ સિવાય અન્ય નાના-મોટા ચેકડેમોમાં પાણીની મંદગતિએ આવક શરૂ રહેવા પામી છે.

Previous articleપાલીતાણા ખાતે ગણેશોત્સવમાં મહાપ્રસાદ વિતરણ
Next articleપાર્ટી જેને ઉમેદવાર બનાવે તેને જીતાડવાની સંગઠન તરીકેની અમારી જવાબદારી બનશે : સનત મોદી