ભાવનગરમાં ૧૦૦ કરોડના બોગસ બિલીંગનો પર્દાફાશ

1673

રાજ્યભરની સાથોસાથ ભાવનગરમાં પણ બોગસ બિલીંગનો ધંધો ફુલ્યો-ફાલ્યો છે. બોગસ બિલીંગ થકી કરોડો રૂપિયાની ટેક્ષ ચોરી કરીને સરકારને ચુનો ચોપડવામાં આવી રહ્યો છે પરંતુ હવે જીએસટી અમલમાં આવતા આવા શંકાસ્પદ વહેવારો સામે આવી રહ્યાં છે. જેમાં ભાવનગર વેટ/જીએસટી વિભાગના નવનિયુક્ત જોઈન્ટ કમિશ્નર જયકાંત દવે સહિત ૩પ સભ્યોની ટીમે ભાવનગર ઉપરાંત અલગ-અલગ પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને અંદાજે ૧૦૦ કરોડ ઉપરાંતના બોગસ ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ કરતા બોગસ બિલીંગ કરતા વેપારીઓ ઉપરાંત તેઓ સાથે વહિવટ કરતા ભાવનગર જિલ્લામાં બોગસ બિલીંગનો ધંધો ફુલ્યો-ફાલ્યો છે ત્યારે ભાવનગર વાણીજ્યક વેરા વિભાગમાં તાજેતરમાં જ જોઈન્ટ કમિશ્નર તરીકે આવેલા જયકાંત દવેના ધ્યાને કેટલાક બોગસ વ્યવહારો સામે આવતા ભાવનગર કચેરીના ક્લાસ-૧, ર, ૩ના ૩પ જેટલા અધિકારી અને કર્મચારી સહિત સ્ટાફે એસઆરપી સહિતના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાવનગર ઉપરાંત રાજકોટ, અમદાવાદ, અલંગ, વાપી, સાણંદ સહિતના સ્થળોએ એસજીએસટી અંગેના દરોડા પાડ્યા હતા અને સતત દોઢ થી બે દિવસની કામગીરીના અંતે ભાવનગર સહિત પાંચ વેપારીઓ પાસેથી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ અંદાજે ૧૦૦ કરોડ ઉપરાંતના બોગસ વ્યવહારો ખુલવા પામ્યા હતા તે તમામ પાંચેય પેઢીઓના દસ્તાવેજો, બેંક ખાતાની બુકો, ચેકબુક, કોમ્પ્યુટરો સહિત ઝપ્ત કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા વેપારીઓ દ્વારા મોટાભાગે સ્ક્રેપ, લોખંડના સળીયા, એંગલ પટ્ટી, ઓઈલ સહિતના ખોટા બીલો બનાવી ટેક્ષચોરી કરી હોવાનું ખુલવા પામી છે.

આ અંગે જોઈન્ટ કમિશ્નર જયકાંત દવેએ ‘લોકસંસાર’ સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, બોગસ બિલીંગમાં ઝડપાયેલા વેપારીઓના દસ્તાવેજો ઝપ્ત કરવામાં આવ્યા છે અને તેની તપાસ કરાઈ રહી છે અને હવે તેમાંથી કોને-કોને બીલો આપેલા છે, કેટલાના આપેલા છે તેની તપાસ કરી અન્ય વેપારીઓની પણ તપાસ કરાવી તેના વ્યવહારો પણ તપાસવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. ઝડપાયેલા તમામ વેપારીઓના અંદાજે ત્રીસેક જેટલા બેંક ખાતા સ્ટોપ કરાવાયા છે. આ ઉપરાંત એક મકાન પણ સીલ કરવામાં આવ્યું હોવાનું વધુમાં તેમણે જણાવ્યું હતું. ઝડપાયેલા વેપારીઓ પાસેથી ૧પ થી ૧૮ કરોડનો ટેક્ષ તથા તેટલો જ દંડ મળી કુલ ૩૦ થી ૩પ કરોડની વસુલાત કરવામાં આવશે ત્યારે બોગસ બિલીંગનો ધંધો કરતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

Previous articleસિંહ-સિંહણના મોત મામલે તપાસનો દોર શરૂ
Next articleકાશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, પાંચ આતંકવાદી ઠાર