સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ અંતોનિયો ગુતારેસ આવતા મહિનાના પ્રારંભમાં ભારતની મુલાકાતે આવશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના ભાગ રૂપે આ તેમની પહેલી ભારત યાત્રા છે. સંજોગોવશ, તેમની ભારતયાત્રા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજ્યંતિના કાર્યક્રમ શરૂ થવા સાથે થશે. મહાસચિવના ઉપપ્રવક્તા ફરહાન હકે શુક્રવારે જણાવ્યું છે કે, ગુતારેસ ૧લી ઓક્ટોબરના રોજ દિલ્હી પહોંચશે.
હકે જણાવ્યું કે, ઓક્ટોબરમાં ગુતારેસ ઔપચારિક રૂપથી નવી દિલ્હીમાં નવા સંયુક્ત રાષ્ટ્ર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. ૨ ઓક્ટોરના રોજ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનના સમાપન સત્રમાં પણ સામેલ થશે. આ ઉપરાંત ગુતારેસ ભારત યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી સુષમા સ્વરાજને પણ ૩ ઓક્ટોબરના રોજ મળશે.
હકે વધુમાં જણાવ્યું કે, ’વૈશ્વિક પડકાર, વૈશ્વિક ઉકેલ’ વિષય પર ઇન્ડિયન હેબિટૈટ સેન્ટરમાં વ્યાખ્યાન આપ્યા પહેલાં તેઓ લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનને પણ મળશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આંતરરાષ્ટ્રીય સોલાર ગઠબંધનની મહાસભાની બેઠકમાં પણ ભાગ લેશે. તેઓ ૩ ઓક્ટોબરના બપોરે અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લેશે અને ૪ ઓક્ટોબરના રોજ ન્યુ યોર્ક પરત જવા રવાના થશે.