ગણેશ વિસર્જન નિમિત્તે નદી/કેનાલમાં ગણેશ વિસર્જન સમયે ડુબવાથી થતાં અકસ્માત નિવારવા બાબતે આજરોજ ગાંધીનગર જિલ્લા નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાટ અને કરાઇ ખાતે ગણેશ વિસર્જન કરતાં ડુબી જવાના બનાવ બન્યા છે, ત્યાં ગણેશ વિસર્જન ન થાય તે અંગેની ખાસ તકેદારી રાખવાની સૂચના નિવાસી અધિક કલેકટરે આપી છે. ગાંધીનગર શહેર માટે ગણપતિ વિસર્જન કરવા માટે સંત સરોવર ખાતે કંડુ બનાવવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભાટ અને કરાઇ ખાતે સાબરમતી નદીમાં ગણપતિ વિસર્જન દરમ્યાન ડુબી જવાના બનાવ પર દુઃખ વ્યકત કર્યું હતું. તા. ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૧૮ ગણેશ વિસર્જનનો અંતિમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ગણેશની મૂર્તિઓ વિસર્જન કરવા આવશે. આ સમયે ડુબી જવાની કે અન્ય ધટના ન બને તેની ખાસ તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ ભાટ અને કરાઇ ખાતે જયાં ડુબી જવાની ધટના બની છે. ત્યાં ગણેશ વિસર્જન કરવાની કોઇને પણ છુટ ન આપવા અને ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ સુચના આપી હતી. તેમજ મોટી સંખ્યામાં આવતા લોકોને એક સાથે ટોળામાં ન જવા દેવા અને વારાફરથી વિસર્જન પ્રક્રિયા કરવા તથા ટ્રાફિકનું સંચાલન કરવાનું પણ જણાવ્યું હતું. તે ઉપરાંત તે સિવાયના વિવિધ સ્થળોની મુલાકાત લઇ ઉંડુ પાણી ન હોય તેવા સ્થળોએ ગણેશ વિસર્જન થાય તેવી સુચારું વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. તે ઉપરાંત જે જગ્યાએ પાણીના તળ ઉંડા છે, ત્યાં ચેતવણી બોર્ડ મુકવા તથા વાંસ અને લોંખડના થાંભલાથી લાલ પટ્ટી વડે કોર્ડન કરવા પણ ખાસ સૂચના આપી હતી.
સંવેદનશીલ ગામોમાં તરવૈયાઓ તથા આપદા મિત્રોની ટીમો તમામ સાધન-સામગ્રી સાથે સ્થળોએ હાજર રાખવા. તેમજ એન.ડી.આર.એફની ટીમો સાથે એસ.ડી.આર.એફની ટીમો પણ કામગીરીમાં આવે તેવી પણ સૂચના આપી હતી. આ ટીમો તા. ૨૩મી સપ્ટેમ્બરના રોજ સવારના ૮.૦૦ કલાક થી ગણેશ વિસર્જનની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી સ્થળ ઉપર જ હાજર રહે તેવી વ્યવસ્થા કરવા પણ સંબંધિત અધિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું.