ગીર જંગલના પૂર્વ વિભાગમાં આવતા દલખાણીયા રેન્જમાં છેલ્લા ૧૧ દિવસમાં ૧૧ સિંહોના મૃતદેહ મળી આવવાની ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજયભમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયા બાદ હવે ખુદ કેન્દ્ર સરકારે પણ આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે. જેને પગલે આજે કેન્દ્રના વન્ય વિભાગની ટીમ અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરીટીના પ્રતિનિધિઓની ટીમ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે ગુજરાતની અરજન્ટ મુલાકાતે આવ્યા હતા અને સિંહોના મોત મામલામાં સરકારી સત્તાવાળાઓ અને સ્થાનિક વન્ય વિભાગના અધિકારીઓની પૂછપરછ કરી વિગતવાર અહેવાલ મેળવ્યો હતો. છેલ્લા ૧૧ દિવસમાં ૧૧ સિંહોના મોતની ચકચારભરી ઘટનાને લઇ કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઇ આજે કેન્દ્રીય વનવિભાગના અધિકારીઓ, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરીટીના પ્રતિનિધિઓ અને જોઇન્ટ ડાયરેકટર વાઇલ્ડ લાઇફના એઆઇજીએ ગુજરાતની ખાસ મુલાકાત લીધી હતી.
કેન્દ્રના આ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય સમિતિએ સ્થાનિક વનવિભાગના અધિકારીઓ અને સરકારના સત્તાવાળાઓની પૂછપરછ કરી સમગ્ર પ્રકરણમાં જાત માહિતી મેળવી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓની આ ટીમે સરકારના સત્તાવાળાઓ પાસેથી એકસાથે આટલા સિંહોના આટલા ટૂંકા સમયમાં અકાળે મોેતને લઇ વિગતવાર અહેવાલ પણ મેળવ્યો હતો. સિંહોના મોતના કારણ, તેને લગતા પરિબળો, પીએમ રિપોર્ટ સહિતના બાબતો અને શકયતાઓને ચકાસી હતી. ગીર પંથકમાં એક સાથે ૧૧ સિંહોના મોતની ઘટનાને લઇ રાજયભરમાં ખાસ કરીને વન્ય અને પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. ૧૧ સિંહોના મોતના પ્રકરણમાં ઇન્ફાઇટ, બિમારી અને કુદરતી મોત સહિતના કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે તો બીજીબાજુ, માત્ર ૧૧ જ દિવસમાં ૧૧ સિંહોના મોતને લઇ વનવિભાગ અને રાજય સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ એવા આ મામલામાં સરકાર અને વનવિભાગના અધિકારીઓ બચાવની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે પરંતુ ખુદ ગુજરાત હાઇકોર્ટે સિંહોના રક્ષણ, જતન અને તેમના સંવર્ધન માટેના અસરકારક પગલાં લેવા સહિતના અગાઉ મહત્વના આદેશો જારી કર્યા હોવાછતાં આજે સિંહોનો અકાળે ખાત્મો બોલી રહ્યો છે, જેને લઇ વન્ય અને પર્યાવરણ પ્રેમીઓ સહિત ગુજરાતના પ્રજાજનોમાં આઘાતની લાગણી પ્રસરી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૧ દિવસમાં ૧૧ સિંહોના મોતને લઇ રાજયભરમાં ખળભળાટ મચ્યો છે ત્યારે વનવિભાગના અધિકારીઓ અને સરકારના સત્તાવાળાઓ જુદા જુદા કારણો સાથે બચાવ કરતાં જોવા મળ્યા હતા. જે વન્ય અધિકારીઓ જે કારણ રજૂ કરતા હતા, તેનાથી વિપરીત કારણો સરકારના સત્તાવાળાઓ રજૂ કરી બચાવ કરતાં હતા, જેને લઇ ગંભીર પ્રશ્નાર્થ અને શંકા જન્મી રહ્યા છે. વનવિભાગની પ્રાથમિક તપાસમાં ૧૧ સિંહોના મોતમાં ૬ સિંહબાળ, ૩ માદા સિંહણ અને ૨ નર સિંહનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રની તપાસ સમિતિના ઉચ્ચ અધિકારીઓએ આજે ગીર પંથક અને સરકારના સત્તાવાળાઓની મુલાકાત લઇ વિસ્તૃત તપાસ અહેવાલ મેળવ્યા બાદ રવાના થઇ ગઇ હતી. હવે તેના ઝીણવટભર્યા અભ્યાસ બાદ આગામી દિવસોમાં તેમના દ્વારા રાજયના વનવિભાગના અધિકારીઓ અને સરકારના સત્તાધીશોને જરૂરી નિર્દેશો કરાય તેમ મનાઇ રહ્યું છે.