અમદાવાદમાં તોફાની પવન સાથે ભારે વરસાદ

1024

અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ શનિવારે મોડી સાંજે જોરદાર તોફાની વરસાદ તુટી પડતાં ઘણી જગ્યાએ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે મોડી સાંજે શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી બાજુ ભારે વરસાદ દરમિયાન તોફાની પવન ફુંકાતા ૧૦થી વધુ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ મળ્યા છે. ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આખરે મેખરાજા મોડે મોડે પણ અમદાવાદ શહેર પર આજે જાણે મહેરબાન થયા હતા. આજે સાંજે અચાનક જ હવામાનમાં ફેરફાર અને વાતાવરણમાં પલ્ટા સાથે અમદાવાદ શહેરમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર તોફાની વરસાદ તૂટી પડતાં અમદાવાદીઓ વરસાદી માહોલને લઇ ખુશખુશાલ બન્યા હતા. લાંબા સમય બાદ ચોમાસાનો ખરો વરસાદ હોય એ રીતે મેઘરાજા મહેરબાન થતાં શહેરીજનોએ બાફ અને ઉકળાટના વાતાવરણમાં રાહત મેળવી હતી અને વરસાદી ઠંડકનો આખરે અનુભવ કર્યો હતો. શહેરમાં આજે ધોધમાર તોફાની વરસાદને લઇ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પૂર્વના વિસ્તારમાં ફરી એકવાર સોસાયટીઓ-દુકાનોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. તો, શહેરના માર્ગો પર ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ઠેર-ઠેર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક અતિનીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.અમદાવાદમાં આજના ધોધમાર વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓના પ્રિ-મોન્સુન એકશન પ્લાનની પોલ ફરી એકવાર જાણે ખુલ્લી પડી ગઇ હતી. અમદાવાદ શહેરમાં આજે બપોરથી હવામાનમાં અને વાતાવરણમાં પલ્ટાની શરૂઆત થઇ ગઇ હતી અને સમી સાંજે સાડા છ વાગ્યાની આસપાસ તો સમગ્ર શહેરમાં વાદળછાયુ અને અંધકારમય વાતાવરણ જાણે છવાઇ ગયું હતું.

અચાનક જ વીજળીના કડાકા અને ભડાકા સાથે જોરદાર તોફાની અને ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. તોફાની વરસાદની તીવ્રતા એટલી જોરદાર હતી કે, વરસાદના છાંટા રીતસરના જાણે વાગતા હતા.અમદાવાદમાં ઘણા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઇ શહેરીજનો ખુશખુશાલ થઇ ગયા હતા અને ધોધમાર વરસાદના વધામણાં કર્યા હતા. શહેરમાં પડેલા ધોધમાર અને તોફાની ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરનું સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું. અમદાવાદમાં માત્ર એક જ કલાકમાં એકથી બે ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસતાં શહેરના એસ.જી.હાઇવે, વેજલપુર, જોધપુર, વસ્ત્રાપુર, સેટેલાઇટ, નારણપુરા, નવરંગપુરા, વાસણા, મણિનગર, સીટીએમ, હાટકેશ્વર, મેઘાણીનગર, બાપુનગર, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારમાં તો પાછોતરા વરસાદને લઇ ભારે હાલાકીભરી પરિસ્થિતિ જોવા મળી હતી. વરસાદી પાણી લોકોના ઘરોમાં, સોસાયટીઓ અને દુકાનોમાં ફરી વળ્યા હતા. જેને પગલે પૂર્વના સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.

પૂર્વના વિસ્તારમાં ભારે અને તોફાની વરસાદને પગલે પાણી ભરાઇ જતાં સ્થાનિક રહીશોએ અમ્યુકો સત્તાવાળાઓ પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને સત્તાધીશોના પ્રિ-મોન્સુન એકશન પ્લાનના દાવાની પોલ ખોલી નાંખી હતી. વરસાદી પાણી ભરાઇ જવાના કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. તોફાની અને ધોધમાર વરસાદની સાથે સાથે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની કેટલીક ઘટનાઓ પણ સામે આવી હતી. અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ પડતાં લોકોને આખરે ઉનાળાની ગરમી અને ઉકળાટથી મોટી રાહત મળી હતી. અમદાવાદીઓ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખુશખુશાલ થઇ ગયા હતા અને તેના જાણે ફરી એકવાર વધામણાં કરી મેઘરાજાનો આભાર માન્યો હતો.

Previous articleઆયુષ્યમાન યોજના આજે શરૂ : ગુજરાતમાં તૈયારીઓ
Next articleકોવાયા ગામે પ્રા. શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો