બંને ત્રાસવાદીને લઇ એટીએસ ટીમ દ્વારા રિકન્સ્ટ્રકશન કરાયું

704
guj1112017-7.jpg

ગુજરાત એટીએસના અધિકારીઓ આજે બપોરે  આઇએસઆઇએસના બંને આંતકવાદીઓને લઇને શહેરના ખાડિયા વિસ્તારમાં આવી હતી. આ બંને આંતકવાદીઓએ ખાડિયામાં યહુદી ધર્મસ્થાન પર હુમલો કરવાની અગાઉ જે કબૂલાત કરી હતી, તેના અનુસંધાનમાં સમગ્ર પ્લાનના રિકન્સ્ટ્રકશનના ભાગરૂપે બંને આંતકવાદીઓને લઇને ગુજરાત એટીએસની ટીમ ખાડિયા આવી હતી અને સંભવિત સ્થાનોએ બંને આંતકવાદીઓને લઇ જઇ બારીકાઇથી તપાસ હાથ ધરી હતી. એટીએસના અધિકારીઓ દ્વારા બંને આંતકવાદીઓના મોંઢે કાળુ કપડુ પહેરાવી તેમણે જણાવેલ સ્થળોએ લઇ જવાયા હતા અને ત્યાં લઇ જઇ કઇ રીતે હુમલાનું પ્લાનીંગ કરવાના હતા તે અંગેની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી હતી. એટીએસના સૂત્રોના મતે, બંને આંતકવાદીઓની પૂછપરછ અને તપાસમાં કેટલાક વધુ ચોંકાવનારા ખુલાસા અને માહિતી બહાર આવે તેવી શકયતા છે. હાલ આરોપીઓના રિમાન્ડ હેઠળ છે અને તેથી તેઓને સાથે રાખી કેસની બારીકાઇથી તપાસ ચાલી રહી છે. તેના ભાગરૂપે જ બંને આરોપીઓને આજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરી સંબંધિત સ્થાનોએ તેમને રૂબરૂ લઇ જઇ સાથે રાખી તપાસ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, સુરતના ઉબેદ મિરઝા અને કાસીમ ટીમ્બરવાલાની ગુજરાત એટીએસએ ધરપકડ કરી તેઓના દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એટીએસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા કે, બંને આંતકવાદીઓ આંતકવાદી કૃત્યને અંજામ આપ્યા બાદ જમૈકા ભાગી જવાના હતા, જેની તૈયારી પણ કરી રાખી હતી. પોલીસે આ અંગેના દસ્તાવેજો પણ જપ્ત કરી લીધા હતા. બંને આંતકવાદીઓની પૂછપરછમાં તેઓએ કબૂલાત કરી હતી કે, તેઓ અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં યહુદી ધર્મસ્થાન પર હુમલો કરવાના હતા અને તેનું પ્લાનીંગ કર્યું હતું. આ માટે તેઓ સ્થાનિક શખ્સોની મદદ લઇ આંતકવાદી કૃત્યને અંજામ આપવાના હતા. 

Previous article રાહુલ ગાંધી આજથી ૩ દિવસની ગુજરાત મુલાકાતે 
Next articleઆતંકી કાસીમની માતાએ કહ્યું, દેશના ગદ્દારને સજા થવી જોઈએ