રાષ્ટ્રીય પાટનગરમાં સંઘના વડા મોહન ભાગવતના મહત્વપૂર્ણ સંબોધનના થોડાક દિવસ બાદ હવે સંઘ સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓના પ્રમુખો સાથે વધુ એક કાર્યક્રમ યોજવાની તૈયારી ચાલી રહી છે. ૨૯મીના દિવસે દિલ્હીમાં સંઘનો વધુ એક કાર્યક્રમ યોજનાર છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલય, રાષ્ટ્રીય શિક્ષણ નિયામક, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને અન્ય સંસ્થઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નાગપુર સ્થિત રિસર્ચ ફોર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન ભવનમાં ૨૯મી સપ્ટેમ્બરના દિવસે કાર્યક્રમને સંબોધશે. કાર્યક્રમના સંયોજક રાજેશ બિનીવાલાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ૩૦૦થી વધારે શિક્ષણ નિષ્ણાતો અને બીજી પ્રમુખ હસ્તીઓના આ કાર્યક્રમમાં પહોંચવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, સંઘ સાથે જોડાયેલા ભારતીય શિક્ષણ મંડળે આ ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૧૭માં કરી હતી.
બીજી બાજુ પ્રકાશ જાવડેકરના મંત્રાલય દ્વારા પણ તમામ આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈટી અને અન્ય કેન્દ્રીય યુનિવર્સિટીઓને આ સંદર્ભમાં એક દિવસ માટે આમંત્રણ આપ્યું છે. આગામી સપ્તાહમાં આયોજિત કોન્ફરન્સ ઓફ એકેડેમી લીડરશીપ ઓન એજ્યુકેશન ફોર રિસર્ચ માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ શિક્ષણ સંસ્થાઓને વધુ યોગ્યરીતે તાલમેલ સાથે કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ સંસ્થાઓ રાષ્ટ્ર નિર્માણ માટે મિશન મોડમાં કામ કરી શકે તે હેતુથી આ તૈયારી કરાઈ છે. આ તમામ સંસ્થાઓ પોતાના ઇનોવેટિવ વિચારોને શેયર કરી શકે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. કોન્ફરન્સના સમાપન પ્રસંગે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. એચઆરડી મંત્રીના હાલના નિવેદન હેઠળ કોન્ફરન્સના એજન્ડામાં ફંડિંગ અને નાણાંકીય મદદ માટે વધારે આત્મનિર્ભરતાની બાબત રહેલી છે.