રાફેલ ડિલ ઉપર ફ્રાંસના પૂર્વ પ્રમુખ ફ્રાન્સવા ઓલાંદના નિવેદન બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહારો કર્યા છે. સાથે સાથે આક્ષેપ કરતા કહ્યું છે કે, દેશના ચોકીદાર ચોર છે. દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઓલાંદના નિવેદન બાદ પણ મોદી મૌન થયેલા છે અને પ્રશ્નોના જવાબ આપી રહ્યા નથી. આજે પત્રકાર પરિષદ યોજીને રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, પ્રથમ વખત ફ્રાંસના કોઇ પૂર્વ રાષ્ટ્રપતિ અમારા વડાપ્રધાનને ચોર તરીકે ગણાવી રહ્યા છે. તેમને હેરાની થાય છે કે, હંમેશા નિવેદન કરનાર વડાપ્રધાન આ ગંભીર મુદ્દાને લઇને મૌન થયેલા છે. વડાપ્રધાને ઓલાંદના નિવેદન અંગે ખુલાસા કરવા જોઇએ. તેમણે કહ્યું છે કે, ફ્રાંસના પૂર્વ પ્રમુખના ભારતના વડાપ્રધાનને લઇને એક નિવેદન કરવામાં આવ્યું છે. તેઓએ રાફેલ ડિલના સંદર્ભમાં વાત કરી છે. અનિલ અંબાણીની કંપનીને પસંદ કરવામાં તેમની કોઇ ભુમિકા ન હતી તેવી વાત કરી છે. ભારત સરકારને આનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. રાહુલે આક્ષેપ કરતા કહ્યું છે કે, ઓલાંદના નિવેદનથી સ્પષ્ટ છે કે, વડાપ્રધાન રાફેલ ઉપર ખોટું નિવેદન કરી રહ્યા છે. મોદીએ ૩૦૦૦૦ કરોડની ડિલ અનિલ ઁઅંબાણીની કંપનીને આપી દીધી હતી. જો એવું નથી તો વડાપ્રધાને જવાબ આપવા જોઇએ. રાહુલે ટકોર કરતા કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાનની ખુરશીની સુરક્ષા કરવા ઇચ્છુક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાનની સાથે ઓલાંદની વન ટુ વન મિટિંગ થઇ હતી. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ફ્રાંસના પૂર્વ પ્રમુખ કહી રહ્યા છે કે, અનિલ અંબાણીને હજારો કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મોદીના કહેવા ઉપર મળ્યો હતો. એટલે કે ઓલાંદ મોદીને ચોર તરીકે ગણાવી રહ્યા છે. છતાં પણ વડાપ્રધાન એક પણ શબ્દ બોલી રહ્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે, હવે ભારતીયોના દિમાગમાં એવી વાત ચાલી રહી છે કે, વડાપ્રધાને પણ ભ્રષ્ટાચાર કર્યું છે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પૂર્વ સંરક્ષણમંત્રીએ કહ્યું છે કે, જ્યારે કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો ત્યારે તેમને કોઇ માહિતી ન હતી. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન પહેલા કહેતા હતા કે, તેઓ રેટ બતાવશે પરંતુ ત્યારબાદ વિમાનની કિંમત અંગે માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, સંરક્ષણમંત્રીએ સંસદમાં ખોટુ નિવેદન કર્યું હતું. રાફેલને લઇને ફરી એકવાર રાજકીય ઘમસાણની સ્થિતિ મચી ગઈ છે.