લગભગ દર છ મહિને કેબિનેટ વિસ્તરણનું ભૂત મહારાષ્ટ્રના રાજકારણીઓના મનમાં ધૂણતું રહે છે, પરંતુ મુખ્ય પ્રધાન અને પક્ષના વડાઓને યોગ્ય મુહૂર્ત મળતું નથી.
આવતા વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી હશે આથી જો એકાદ મહિનામાં વિસ્તરણ થાય તે જરૂરી છે. હાલમાં ભાજપ અને શિવસેનાના નેતાઓમાં એવી ભાવના ઊપજી રહી છે કે માત્ર નારાજ કે અસંતુષ્ટ નેતાઓને શાંત પાડવા માટે વિસ્તરણની વાતો અમુક સમયાંતરે વહેતી કરવામાં આવે છે. શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલે આ મામલે ફડણવીસને ટોણો મારતા કહ્યું હતું કે ફડણવીસ બ્રાહ્મણ હોવાથી પંચાંગ જોઈને વિસ્તરણ કરશે, તેમ લાગી રહ્યું છે.
પક્ષના સૂત્રોનું માનીએ તો દરેક પ્રાંતને તેમ જ શિવસેનાને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનું કામ બહુ કસરત માગી લે તેવું છે. આ સમયે એક પણ પ્રાંત, સમુદાયને નારાજ કરવાનું ભારે પડી શકે તેમ છે. વળી, તેમની ઈચ્છા પ્રમાણેની ટીમ તેમને મળી રહી નથી. પોતાના પક્ષના ઘણા વિધાનસભ્યોથી તેઓ નારાજ હોવાનું તેમ જ હાલના કેબિનેટના પ્રધાનોથી પણ નારાજગીની વાતો પણ પ્રકાશમાં આવી રહી છે. આ બધા વચ્ચે જો દિવાળી પહેલા વિસ્તરણ થશે તો આશા રાખીને બેઠેલા પક્ષના નેતાઓને દિવાળી ફળશે.